પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની ODI સિરીઝની બીજી મેચ ઢાકાના મીરપુર સ્થિત શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન મેદાન પર એક મોટી દુર્ઘટના થઈ. પાકિસ્તાનના ઓલરાઉન્ડર હુસૈન તલત ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
હુસૈન તલતને ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને તાત્કાલિક સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ પછી તેને સીધો હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પ્રારંભિક તપાસ પછી હુસૈન તલતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને વધુ તપાસ પછી જ તેની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાશે.
હુસૈન તલત કેવી રીતે થયો ઈજાગ્રસ્ત?
બાંગ્લાદેશની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં હુસૈન તલત ઈજાગ્રસ્ત થયો હતો. મોહમ્મદ વસીમ પાકિસ્તાન તરફથી ઓવર ફેંકી રહ્યો હતો, અને લિટન દાસે બીજા બોલ પર ઓફ સાઈડ તરફ એક શક્તિશાળી શોટ રમ્યો. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો અને હુસૈન તલત તેને રોકવા માટે કવર બાઉન્ડ્રી તરફ ઝડપથી દોડ્યો. તેને બોલ બાઉન્ડ્રી સુધી પહોંચે તે પહેલાં તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો પગ ફોમ પર પડ્યો અને તેને પોતાનું સંતુલન ગુમાવ્યું. ત્યારબાદ તે સીધો જાહેરાતના હોર્ડિંગ સાથે અથડાયો, જેના કારણે તેના ડાબા ખભામાં ગંભીર ઈજા થઈ. તે પીડાથી કણસતો જોવા મળ્યો.
હુસૈન તલત ઘાયલ થતાં જ પાકિસ્તાનની મેડિકલ ટીમ તાત્કાલિક મેદાન પર પહોંચી ગઈ. મેદાન પર હાજર ખેલાડીઓ અને સ્ટાફ તરત જ તેની પાસે દોડી ગયા. થોડી વાર પછી સ્ટ્રેચર લાવવામાં આવ્યું અને તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે હુસૈન તલત આ મેચમાં વધુ સમય સુધી ક્રીઝ પર રહ્યો ન હતો, તેને 13 બોલમાં ફક્ત 9 રન બનાવ્યા હતા.
PCB એ હુસૈન તલતની ઈજા અંગે અપડેટ આપ્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હુસૈન તલતની ઈજા અંગે અપડેટ જાહેર કર્યું છે. પીસીબીએ જણાવ્યું હતું કે તેમની મેડિકલ ટીમે મેદાન પર ઈજાનું મૂલ્યાંકન કર્યું હતું અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને વધુ મૂલ્યાંકન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હુસૈન તલતની ઈજાની ચોક્કસ ગંભીરતા ડોકટરો દ્વારા સંપૂર્ણ તપાસ પછી જ નક્કી કરવામાં આવશે. હુસૈન તલતના કરિયરની વાત કરીએ તો તેને 2019 માં ODI ડેબ્યૂ કર્યું હતું. 30 વર્ષનો ઓલરાઉન્ડર અત્યાર સુધી ફક્ત 11 ODI રમ્યો છે, જેમાં કુલ 224 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!