ICC મહિલા ODI વર્લ્ડકપ 2025ના અંત સાથે ઓક્ટોબર મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ICCએ પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.


મહિલા ODI વર્લ્ડકપ 2025માં ઘણી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને નોમિનેટ 3 ખેલાડીઓમાં એક નામ ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાનું છે.

સ્મૃતિ મંધાનાએ વર્લ્ડકપમાં 400થી વધુ રન બનાવ્યા

ભારતીય ટીમને ICC મહિલા ODI વર્લ્ડકપ જીતવામાં સ્મૃતિ મંધાનાએ બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્મૃતિ મંધાનાએ 9 મેચમાં 54.25ની એવરેજથી 434 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. સ્મૃતિ મંધાના આ વર્ષે પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીતી ચૂકી છે અને હવે તેની પાસે બીજી તક છે.


સ્મૃતિ મંધાના સિવાય ઓક્ટોબર માટે ICC દ્વારા મહિલા પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નામાંકિત કરાયેલી 2 અન્ય ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ અને ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનરનો સમાવેશ થાય છે. લૌરા વોલ્વાર્ટ 2025 મહિલા ODI વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી, તેને કુલ 571 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે પણ 328 રન બનાવ્યા હતા.

આ 3 ખેલાડીઓ પુરુષોમાં નોમિનેટ થયા

ઓક્ટોબર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ ખેલાડીઓના લિસ્ટમાં સાઉથ આફ્રિકાના ડાબોડી સ્પિન બોલર સેનુરન મુથુસામી, પાકિસ્તાનના નૌમાન અલી અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનનો સમાવેશ થાય છે. સેનુરન મુથુસામીએ પાકિસ્તાન સામેની 2 મેચની ટેસ્ટ સિરીધમાં બેટ અને બોલ બંનેમાં યોગદાન આપ્યું હતું, જેમાં 11 વિકેટ લીધી હતી અને 106 રન બનાવ્યા હતા.

પાકિસ્તાની સ્પિન બોલર નૌમાન અલીએ સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં કુલ 14 વિકેટ લીધી હતી. રાશિદ ખાને ઓક્ટોબરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેને T20માં 9 અને વનડેમાં 11 વિકેટ લીધી હતી.


  • Follow us on: