ટીમ ઈન્ડિયાએ ICC મહિલા ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર આ ટ્રોફી જીતી હતી. આ પછી ICC દ્વારા મહિલાઓની નવી રેન્કિંગ પણ જાહેર કરવામાં આવી છે.
આ વખતે ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના જે અત્યાર સુધી નંબર વન પર હતી, હવે પાછળ પડી ગઈ છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે નંબર વનનું સ્થાન સંભાળ્યું છે. આ સિવાય રેન્કિંગમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે.
સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ ICC ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની
સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ ભલે ICC મહિલા વર્લ્ડકપ જીતી ન શકી હોય, પરંતુ તેણે ફાઈનલમાં સદી ફટકારી હતી. તે એકલા હાથે પોતાની ટીમ માટે ઉભી રહી. જ્યાં સુધી લૌરા વોલ્વાર્ડ ક્રીઝ પર હતી ત્યાં સુધી ભારતનો વિજય અનિશ્ચિત હતો, પરંતુ તે આઉટ થતાં જ ભારતે પોતાની જીત પર મહોર લગાવી દીધી હતી.
એ પહેલા સાઉથ આફ્રિકાની કેપ્ટને સેમીફાઈનલમાં પણ સદી ફટકારી હતી. તેણે સતત બે સદીઓ ફટકારી છતાં તે ટીમને વર્લ્ડકપ જીતાડી ન શકી, પરંતુ હવે તેઓ ICC મહિલા ODI રેન્કિંગમાં નંબર વન સ્થાન મેળવી ચૂકી છે.
સ્મૃતિ મંધાના બીજા સ્થાને પહોંચી
ICCના તાજેતરના ODI રેન્કિંગમાં લૌરા વોલ્વાર્ડ બે સ્થાન આગળ વધી છે. તેનું રેટિંગ હવે 814 થઈ ગયું છે. આ દરમિયાનૃ ભારતની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના બીજા નંબરે આવી ગઈ છે. સ્મૃતિ મંધાના એક સ્થાન નીચે આવી ગઈ છે, હવે તે 811 રેટિંગ સાથે બીજા નંબરે છે. પહેલા અને બીજા નંબરે રહેલી ખેલાડીઓ વચ્ચે બહુ ફરક નથી. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પણ એક સ્થાન નીચે આવી ગઈ છે, હવે તે 738ના રેટિંગ સાથે ત્રીજા નંબરે છે.
જેમિમા રોડ્રિગ્સની ટોપ 10માં એન્ટ્રી
આ દરમિયાન સેમીફાઈનલમાં સદી ફટકારનાર ભારતની સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્સે ટોપ 10માં એન્ટ્રી કરવામાં સફળતા મેળવી છે. જેમિમા રોડ્રિગ્સે એકસાથે નવ સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 658 ના રેટિંગ સાથે 10માં નંબરે પહોંચી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ ફાયદો થયો છે, પરંતુ તે હજુ સુધી ટોપ 10માં પહોંચી શકી નથી. હરમનપ્રીત કૌર 634ના રેટિંગ સાથે ચાર સ્થાનની છલાંગ લગાવીને 14માં નંબરે પહોંચી ગઈ છે.