મહિલા વર્લ્ડકપ 2025 આવતીકાલે સમાપ્ત થશે. નવી મુંબઈમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ રમાશે. આ દરમિયાન બોલીવુડ સ્ટાર્સ મહિલા વર્લ્ડકપ ક્લોઝિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે.
આ સ્ટાર્સમાં એક અગ્રણી નામ સુનિધિ ચૌહાણ હશે, જે ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા મેચ દરમિયાન ઈનિંગ બ્રેક દરમિયાન પોતાના સિંગિંગથી દર્શકોને મોહિત કરશે.
ક્લોઝિંગ સેરેમનીમાં મોટા સ્ટાર્સ આપશે હાજરી
ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા ફાઇનલ મેચના ઈનિંગ બ્રેક દરમિયાન સુનિધિ ચૌહાણ પોતાના સિંગિંગથી ફેન્સને મંત્રમુગ્ધ કરશે. તેમની સાથે 60 ડાન્સર લાઈવ પર્ફોર્મ કરશે અને આકાશમાં લાઈવ ફટાકડા ફોડવામાં આવશે. કોરિયોગ્રાફર સંજય શેટ્ટી પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં લેસર શો, 350 કલાકારો પરફોર્મ કરશે અને ડ્રોન શો પણ સામેલ છે.
ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા ફાઈનલ શરૂ થાય તે પહેલાં સુનિધિ ચૌહાણ ભારતીય રાષ્ટ્રગીત પણ ગાશે. ટેરીન બેંક્સ સાઉથ આફ્રિકાનું રાષ્ટ્રગીત ગાશે.
સુનિધિ ચૌહાણે શું કહ્યું?
ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરતા પહેલા સુનિધિ ચૌહાણે કહ્યું કે "મહિલા વર્લ્ડકપમાં પરફોર્મ કરવું એ એક સન્માનની વાત છે અને હું આ ખાસ દિવસ માટે ખૂબ જ ઉત્સાહિત છું. ભારતીય ટીમ ફાઈનલમાં છે, સ્ટેડિયમ ભરેલું હશે, મને આશા છે કે વાતાવરણ અદ્ભુત હશે. આ દિવસ આપણા બધા માટે યાદગાર બની રહેશે."
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ભારત કે સાઉથ આફ્રિકામાંથી કોઈએ ક્યારેય મહિલા વર્લ્ડકપ જીત્યો નથી, તેથી આ વખતે ODI ફોર્મેટમાં એક નવો ચેમ્પિયન હશે.