મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ટકરાશે. સેમાફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતના શાનદાર પ્રદર્શનથી ફેન્સનો ઉત્સાહ વધ્યો છે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાને હરાવીને તેનું પહેલું ODI વર્લ્ડકપ ટાઈટલ જીતવાનું ટાર્ગેટ રાખશે. પરંતુ સાઉથ આફ્રિકા પણ તેનું પહેલું ટાઈટલ મેળવવા માગશે.
નવી મુંબઈમાં લાગી લાંબી લાઈનો
શનિવારે ડીવાય પાટિલ સ્ટેડિયમના ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી હતી, કેટલાક લોકો 36 કલાકથી વધુ સમય રાહ જોઈ રહ્યા હતા. ઓનલાઈન ટિકિટો વેચાઈ ગઈ છે. પરંતુ કેટલીક ટિકિટો વાયગોગો જેવી વેબસાઈટ પર ઉપલબ્ધ છે, જેની કિંમત 6,500 રૂપિયાથી 1.3 લાખ રૂપિયાથી વધુ છે. વાયગોગો પર વિભાગ VIP BL1 માટેની ટિકિટોની કિંમત 136,187 રૂપિયા છે, જ્યારે બે ટિકિટની કિંમત લગભગ 272,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ભારતના પ્રભાવશાળી પ્રદર્શને દરેકનો ઉત્સાહ વધાર્યો છે.













