મહિલા ODI વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારત સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ માટે સંપૂર્ણપણે તૈયાર છે.
હરમનપ્રીત કૌરે એમ પણ કહ્યું હતું કે આખી ટીમ ફાઈનલ મેચ જીતવાનો આનંદ માણવા માટે ઉત્સુક છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ સેમીફાઈનલમાં 7 વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું.
અમે ફાઈનલમાં અમારું સર્વસ્વ આપીશું – હરમનપ્રીત કૌર
ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં હરમનપ્રીતે કહ્યું કે "અમે હારનો અહેસાસ સારી રીતે જાણીએ છીએ, પરંતુ અમે જીતનો આનંદ માણવા માટે ઉત્સુક છીએ. અમને આશા છે કે આવતીકાલનો દિવસ અમારા માટે ખાસ અને યાદગાર રહેશે. અમે અમારું બેસ્ટ આપવા માગીએ છીએ. અમે અત્યાર સુધી ખૂબ જ મહેનત કરી છે. અમે આ ફાઈનલમાં અમારું સર્વસ્વ આપીશું."
આ ભારતની ત્રીજી વર્લ્ડકપ ફાઈનલ છે. ટીમ અગાઉ 2005 અને 2017 વર્લ્ડકપ ફાઈનલમાં હારી ગઈ હતી. હરમનપ્રીત 2017માં ભારતીય ટીમનો ભાગ હતી. તેણે કહ્યું કે "ફાઈનલમાં રમવું એ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે અને મને લાગે છે કે અમે છેલ્લી બે મેચમાં જે રીતે રમ્યા છીએ તે સમગ્ર દેશને અમારા પ્રદર્શન પર ગર્વ કરાવશે. આ એક મોટી મેચ છે તેથી અમે આ તકનો આનંદ માણવા માગીએ છીએ."
વર્લ્ડકપ ફાઈનલમાં રમવા કરતાં મોટી પ્રેરણા બીજી કોઈ ન હોઈ શકે: હરમનપ્રીત કૌર
આ પ્રેસ કોન્ફરન્સમાં હરમનપ્રીત કૌરને ફાઈનલ માટે તેમની ટીમની પ્રેરણા વિશે પૂછવામાં આવ્યું. જવાબમાં તેણે કહ્યું કે "જ્યારે તમે એવા સ્ટેજ પર હોવ જ્યાં તમે વર્લ્ડકપ ફાઈનલ રમવાના છો, ત્યારે તેનાથી મોટી પ્રેરણા કોઈ નથી હોતી અને આખી ટીમ સંપૂર્ણપણે તૈયાર હોય છે. અમે સાથે ઉભા છીએ અને તે દર્શાવે છે કે આ ટીમ કેટલી એકતામાં છે." તેણે વધુમાં કહ્યું કે ભારત આ મેચમાં પોતાનું બેસ્ટ પ્રદર્શન કરવા માટે તૈયાર છે અને ટીમે તેના માટે અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી.
બધા ખેલાડીઓએ પોતાનું બેસ્ટ આપ્યું: હરમનપ્રીત કૌર
ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં 89 રનની યાદગાર ઈનિંગ રમનાર હરમનપ્રીતે કહ્યું કે "આ મેચમાં બેસ્ટ પ્રદર્શન કરવાનો છે. એવું નથી કે આપણે આજે ફાઈનલમાં પહોંચી ગયા છીએ અને આજે બધું જ કરવું પડશે. અમે વર્ષોથી આ માટે તૈયારી કરી રહ્યા છીએ. અમને ખબર હતી કે વર્લ્ડકપ ભારતમાં યોજાશે અને પિચ અને પરિસ્થિતિઓ કેવી હશે. આખી ટીમ આ મેચ માટે 100% તૈયાર છે." તેણે કહ્યું કે "વર્લ્ડકપ ટીમમાં અમે જેમને પણ તક આપી તેમણે પોતાનું બેસ્ટ પ્રદર્શન કર્યું. આ અમારા માટે સારી વાત છે."