ICC મહિલા ODI વર્લ્ડકપ 2025ની બીજી સેમીફાઈનલ આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહી છે. નવી મુંબઈમાં ડો. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં બંને ટીમો કાળી પટ્ટી પહેરેલી જોવા મળી રહી છે. કાળી પટ્ટી પહેરવાનું કારણ જાણીને ફેન્સ ઈમોશનલ થઈ જશે.
બંને ટીમો કાળી પટ્ટી પહેરીને કેમ રમી રહી છે?
સેમીફાઈનલ મેચમાં જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે પહોંચી ત્યારે બંને ટીમે કાળી પટ્ટી પહેરી હતી. ICC એ આ પાછળનું કારણ સમજાવ્યું. ઓસ્ટ્રેલિયામાં 17 વર્ષના ક્રિકેટર બેન ઓસ્ટિનને સાઈડઆર્મ બોલિંગ કરતી વખતે ગરદનમાં ઈજા થઈ હતી. તેને થોડા દિવસો હોસ્પિટલમાં વિતાવ્યા. 30 ઓક્ટોબરની સવારે ઓસ્ટિનનું અવસાન થયું.
આ જ કારણ છે કે બંને ટીમો આજે કાળી પટ્ટી પહેરીને આવી છે. ICC અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બેન ઓસ્ટિનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ પ્રકારે બીજો ક્રિકેટર ગુમાવ્યો છે. આ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટર ફિલ હ્યુજીસનું પણ આવી જ રીતે અવસાન થયું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં ઘણી આગળ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાએ આ લખાય છે ત્યાં સુધી 26 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા છે. એલિસ પેરી 43 રન બનાવીને રમી રહી છે, જ્યારે ફોબી લિચફિલ્ડ પણ 87 બોલમાં 103 રન બનાવીને રમી રહી છે.
કેપ્ટન એલિસા હીલીને ક્રાંતિ ગૌડે 5 રન બનાવીને આઉટ કરી હતી. ભારતીય બોલરોએ આ મેચમાં ખૂબ જ નિરાશા વ્યક્ત કરી હતી. સેમીફાઈનલમાં ઈજાગ્રસ્ત પ્રતિકા રાવલની જગ્યાએ શેફાલી વર્મા રમી રહી છે. આ મેચમાં રિચા ઘોષ પણ ઈજામાંથી વાપસી કરી છે.