ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ODI મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ ફરી એકવાર ટોસ હારી ગઈ છે. ODI ક્રિકેટમાં ભારતનો આ સતત 18મો ટોસ પરાજય છે.


આ દરમિયાન કેપ્ટન બદલાયો, ટીમ પણ બદલાઈ, પરંતુ ટોસ હારવાનું ભાગ્ય બદલાઈ શક્યું નહીં. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય ODI મેચમાં શુભમન ગિલ કેપ્ટન હતો અને ભારત ત્રણેય મેચમાં ટોસ હારી ગયું.

ભારતીય ટીમ પહેલાથી જ હારી ચૂકી છે સિરીઝ

ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વનડે 7 વિકેટથી અને બીજી 2 વિકેટથી હારી ગઈ હતી. બંને મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેન બંને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સિરીઝ પહેલાથી જ ગુમાવી ચૂકેલી ટીમ હવે ત્રીજી વનડે જીતીને ક્લીન સ્વીપ ટાળવા માટે પ્રયત્ન કરશે.

પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર

ત્રીજી વનડે માટે ભારતીય કેપ્ટન શુભમન ગિલે કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કર્યા છે. નીતિશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહને બહાર કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ પહેલી બે વનડેમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

બીજી વનડેમાં જીતવાની હતી તક

બીજી વનડેમાં ભારતે પહેલા બેટિંગ કરીને 264 રન બનાવ્યા. રોહિત શર્મા અને શ્રેયસ ઐયરે ટીમ માટે અડધી સદી ફટકારી. પરંતુ આ બંને ખેલાડીઓને અન્ય બેટ્સમેનોનો સાથ મળ્યો નહીં. ત્યારબાદ હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીએ ઘણા રન ગુમાવ્યા, જેના પરિણામે ભારતનો 2 વિકેટથી હાર થઈ. ભારત પાસે બીજી વનડે જીતવાની તક હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની છેલ્લી 2 વિકેટ લેવામાં નિષ્ફળ ગયું. મેથ્યુ શોર્ટ અને કૂપર કોનોલીની ઈનિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટનો પીછો કર્યો.

ત્રીજી વનડે માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.


  • Follow us on: