સિડનીના મેદાન પર ટ્રેવિસ હેડ ફરી એકવાર સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. ટ્રેવિસ હેડે જોરદાર શરૂઆત કરી, પરંતુ 29 રન બનાવ્યા પછી મોહમ્મદ સિરાજના બોલ પર આઉટ થયો. પરંતુ તેની ઈનિંગ દરમિયાન હેડે 6 ચોગ્ગા ફટકાર્યા.
પોતાની 29 રનની ઈનિંગ દરમિયાન ટ્રેવિસ હેડે ODI ક્રિકેટમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી. તેને સ્ટીવ સ્મિથ અને માઈકલ બેવનના પ્રતિષ્ઠિત રેકોર્ડને એક જ ઝટકામાં તોડી નાખ્યા. ટ્રેવિસ હેડને તેના ઈન્ટરનેશનલ કરિયરમાં આઠમી વખત મોહમ્મદ સિરાજે આઉટ કર્યો.
ટ્રેવિસ હેડના નામે મોટી સિદ્ધિ
ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં 3,000 રન પૂરા કર્યા છે. ટ્રેવિસ હેડે સૌથી ઓછી ઈનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. ટ્રેવિસ હેડના 3,000 રન ફક્ત 76 ODI ઈનિંગમાં આવ્યા હતા, આ સંદર્ભમાં સ્ટીવ સ્મિથ અને માઈકલ બેવનને પાછળ છોડી દીધા હતા. સ્ટીવ સ્મિથે 79 મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે માઈકલ બેવને 50 ઓવરના ફોર્મેટમાં 3,000 રન સુધી પહોંચવા માટે 80 ઈનિંગ લીધી હતી.
બોલનો સામનો કરવાના સંદર્ભમાં ટ્રેવિસ હેડ આ ફોર્મેટમાં 3,000 રન પૂરા કરનારા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની લિસ્ટમાં ચોથા નંબરે છે. ટ્રેવિસ હેડે સિડનીના મેદાન પર ધીમી શરૂઆત કરી, તેના પહેલા 8 બોલમાં ફક્ત 5 રન બનાવ્યા. પરંતુ તેને ઈનિંગની પાંચમી ઓવરમાં સિરાજ સામે 2 ચોગ્ગા ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું. 6 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા બાદ હેડ ખતરનાક જોવા મળી રહ્યો હતો, પરંતુ તે ફરી એકવાર મોહમ્મદ સિરાજના હાથે ફસાઈ ગયો.
મોહમ્મદ સિરાજનો 8મી વખત બન્યો શિકાર
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટ્રેવિસ હેડને સિરાજે આઠમી વાર આઉટ કર્યો છે. હેડે અને સિરાજ ત્રણેય ફોર્મેટમાં 19 વખત સામસામે આવ્યા છે, જેમાં ભારતીય ફાસ્ટ બોલરે આઠ વખત હેડને આઉટ કર્યો હતો. આ સિરીઝમાં ભારતીય બોલરો હેડના બેટને શાંત રાખવામાં સંપૂર્ણપણે સફળ રહ્યા છે. પહેલી મેચમાં અર્શદીપ સિંહે હેડને ફક્ત 8 રનમાં આઉટ કર્યો હતો. એડિલેડમાં હર્ષિત રાણાએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને 28 રનમાં આઉટ કર્યો હતો.