ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની વનડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા કિવી ટીમે 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા.
આ મેચમાં કિવી ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, ત્યારબાદ ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે કિવી ઈનિંગને સંભાળી અને શાનદાર સદી ફટકારીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે સાથે મળીને એવી સિદ્ધિ પણ મેળવી જે ન્યુઝીલેન્ડ તરફથી ભારત સામેની કોઈપણ વનડે મેચમાં પહેલા જોવા મળી ન હતી.
પહેલીવાર ન્યુઝીલેન્ડના બે બેટ્સમેનોએ સદી ફટકારી
ઈન્દોરમાં ભારત સામેની ત્રીજી વનડેમાં પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 58 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે માત્ર કિવી ઈનિંગને સ્થિર કરી નહીં પરંતુ તેજ ગતિએ રન પણ બનાવ્યા. ડેરિલ મિચેલ ODI સિરીઝમાં સતત બીજી સદી ફટકારવામાં સફળ રહ્યો, ત્યારે ગ્લેન ફિલિપ્સે પણ તેની બીજી ODI સદી ફટકારી.
મિચેલ 137 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, જ્યારે ફિલિપ્સે 106 રન બનાવ્યા. આ પહેલી વાર હતું જ્યારે ન્યુઝીલેન્ડના 2 બેટ્સમેનોએ ભારત સામે ODIમાં સદી ફટકારી, જેનાથી મિચેલ અને ફિલિપ્સ બંને માટે ઈતિહાસ રચાયો.
ભારત સામે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ
ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે આ મેચમાં ચોથી વિકેટ માટે 219 રનની શાનદાર પાર્ટનરશીપ પણ કરી, જે ન્યુઝીલેન્ડ દ્વારા ભારત સામે ODI ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે બીજી સૌથી મોટી પાર્ટનરશીપ બની. આ લિસ્ટમાં ટોપનું સ્થાન ટોમ લેથમ અને કેન વિલિયમસન દ્વારા 2022માં ઓકલેન્ડમાં ભારત સામેની ODIમાં 221 રનની પાર્ટનરશીપ કરી હતી.
આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો