રાજકોટમાં ભારત પાસે ODI સિરીઝ જીતવાની તક હતી, પરંતુ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ કેપ્ટન શુભમન ગિલની આશાઓ પર પાણી ફેરવી દીધું. ડેરિલ મિચેલની શાનદાર 131 રનની ઈનિંગથી ન્યુઝીલેન્ડે 7 વિકેટથી મોટી જીત નોંધાવી.

કેએલ રાહુલની સદી વ્યર્થ ગઈ અને 3 મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. આ મેચમાં ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. ભારતીય સ્પિનરોએ વચ્ચેની ઓવરોમાં વિકેટ માટે સંઘર્ષ કર્યો, જેના પરિણામે ટીમ ઈન્ડિયાની હાર થઈ.

વચ્ચેની ઓવરોમાં કોઈ વિકેટ નહીં

મેચ પછી કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું કે ટીમની વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળતા એ સૌથી મોટો ઝટકો હતો. તેને કહ્યું કે જો વચ્ચેની ઓવરોમાં વિકેટ ન લેવામાં આવે તો, ટીમ સ્કોરમાં 15-20 રન ઉમેરે તો પણ રન રોકવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેને કહ્યું કે અમારી પાસે વચ્ચેની ઓવરોમાં 5 ફિલ્ડરો હતા, પરંતુ તેમ છતાં અમે વિકેટ લેવામાં અસમર્થ હતા. જો આ ઓવરોમાં વિકેટ ન લેવામાં આવે તો સેટ બેટ્સમેનને રોકવા અશક્ય બની જાય છે.

ખરાબ ફિલ્ડિંગ મોંઘી સાબિત થઈ

શુભમન ગિલે વધુમાં જણાવ્યું હતું કે આવી પીચો પર એકવાર પાર્ટનરશીપ સેટ થઈ જાય, પછી સેટ બેટ્સમેન માટે મોટી ઈનિંગ રમવી સરળ બની જાય છે, જ્યારે નવા બેટ્સમેન માટે શરૂઆતથી જ મુક્તપણે રન બનાવવા મુશ્કેલ બને છે. કેપ્ટને સ્વીકાર્યું કે ઈનિંગની પહેલી 10-15 ઓવરમાં બોલ થોડો આગળ વધી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન ટીમને બોલિંગમાં વધુ હિંમત બતાવવાની જરૂર હતી. "અમે શરૂઆતમાં વધુ આક્રમક બની શક્યા હોત, પરંતુ અમે તેમ કરવામાં નિષ્ફળ ગયા."

કેપ્ટને હારનું મુખ્ય કારણ ફિલ્ડિંગ ભૂલો પણ ગણાવી. તેને સ્વીકાર્યું કે પાછલી મેચની જેમ ટીમે કેટલાક મહત્વપૂર્ણ કેચ છોડી દીધા, જેનાથી વિરોધી ટીમને વાપસી કરવાની તક મળી. શુભમન ગિલનું નિવેદન સ્પષ્ટપણે સૂચવે છે કે ટીમને વર્લ્ડકપ 2027 માટે તેમની તૈયારીઓને મજબૂત બનાવવા માટે આગામી મેચોમાં મિડલ-ઓવર બોલિંગ, વિકેટ લેવાની વ્યૂહરચના અને ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે.

આ પણ વાંચો: WPL 2026: દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 7 વિકેટે હરાવ્યું, લિઝેલ લીની શાનદાર અડધી સદી