વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025 માં ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. પાકિસ્તાન સામેની મેચ રદ્દ થયા બાદ ટીમ સાઉથ આફ્રિકા સામે હારી ગઈ. હવે ટીમને ઓસ્ટ્રેલિયા સામે પણ રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન બ્રેટ લીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટથી મેચ જીતી લીધી.
શિખર ધવન અને યુસુફ પઠાણે બેટિંગમાં મચાવી ધૂમ
ટોસ હાર્યા બાદ ઈન્ડિયા ચેમ્પિયન્સ પહેલા બેટિંગ કરવા આવી. ઓપનર શિખર ધવને 60 બોલમાં 91 રનની ઈનિંગ રમી. જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાનો સામેલ છે. તેને સાથ આપતા રોબિન ઉથપ્પાએ પણ 37 રનની ઇનિંગ રમી. અંબાતી રાયડુ, સુરેશ રૈના અને કેપ્ટન યુવરાજ સિંહ બેટિંગમાં નિષ્ફળ રહ્યા.
યુસુફ પઠાણે પણ 23 બોલમાં 52 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ઈનિંગ રમી. જેમાં 3 ચોગ્ગા અને 4 જબરદસ્ત છગ્ગાનો સામેલ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ તરફથી કેપ્ટન બ્રેટ લીએ 1 વિકેટ લીધી જ્યારે ડેનિયલ ક્રિશ્ચિયનએ 2 વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર જીત નોંધાવી
ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ક્રિસ લિને 25 રનની ઈનિંગ રમી. તેનો સાથ આપતા ડાર્સી શોર્ટે પણ 20 મહત્વપૂર્ણ રન બનાવ્યા. ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિશ્ચિયનએ પણ 39 રનની ઈનિંગ રમી.
કોલમ ફર્ગ્યુસને પણ 70 રનની અણનમ ઈનિંગ રમી. જેના કારણે તેમની ટીમે છેલ્લી ઓવરમાં 4 વિકેટથી મેચ જીતી લીધી. ટીમ ઈન્ડિયા તરફથી પીયૂષ ચાવલાએ 3 વિકેટ લીધી જ્યારે હરભજન સિંહે 2 વિકેટ લીધી.