ટીમ ઈન્ડિયા સામેની વર્તમાન સિરીઝમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા બેન સ્ટોક્સે હવે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં બોલ સાથે 5 વિકેટ ઝડપી છે.
ત્યારબાદ બેન સ્ટોક્સે બેટથી શાનદાર સદી પણ ફટકારી છે. આ સદી સાથે બેન સ્ટોક્સે 5 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. બેન સ્ટોક્સની શાનદાર ઈનિંગના આધારે ઈંગ્લેન્ડની ટીમ મેચમાં ઘણી આગળ વધી ગઈ છે.
બેન સ્ટોક્સે રચ્યો ઈતિહાસ
બેન સ્ટોક્સે શાનદાર બેટિંગ કરી અને માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં સદી ફટકારી. બેન સ્ટોક્સે લગભગ 3 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી. આ પહેલા તેને લગભગ 8 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ પણ લીધી હતી. બેન સ્ટોક્સે આ મેચમાં કુલ 5 મોટા રેકોર્ડ બનાવ્યા છે.
કેપ્ટન તરીકે તે ઈંગ્લેન્ડનો ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર અને 5 વિકેટ લેનાર પહેલો ખેલાડી બન્યો છે. ખેલાડી તરીકે આવું કરનાર તે ચોથો ખેલાડી છે. તેમના પહેલા ઈયાન બોથમ, ગુસ એટકિન્સન અને ટોની ગ્રેગે આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેપ્ટન તરીકે આવી સિદ્ધિ મેળવનાર તે પાંચમો ખેલાડી છે. તેમના પહેલા ડેનિસ એટકિન્સન, ગેરી સોબર્સ, મુશ્તાક મોહમ્મદ અને ઈમરાન ખાને પણ એક મેચમાં 5 વિકેટ લીધા પછી સદી ફટકારી હતી.
ચોથી ટેસ્ટમાં પણ બેન સ્ટોક્સે મચાવી ધૂમ
ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ રહેલી આ મેચમાં બેન સ્ટોક્સે પોતાના ટેસ્ટ કરિયરના 7 હજાર રન પૂરા કર્યા છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં 200+ વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા ફક્ત ગેરી સોબર્સ અને જેક્સ કાલિસ જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. બેન સ્ટોક્સે આ મેચમાં 141 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સની આ ઈનિંગના આધારે ઈંગ્લિશ ટીમે 300 રનથી વધુની લીડ મેળવી લીધી છે. ચોથી ટેસ્ટ મેચ સંપૂર્ણપણે ઈંગ્લેન્ડના હાથમાં હોય તેવું લાગે છે.