ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20I સિરીઝ જીતી લીધી છે. અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના દમ પર ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં ન્યિઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું. આમ ભારતે T20I સિરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી.

પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 153 રન બનાવી શક્યું. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 10 ઓવરમાં 154 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો. આનો અર્થ એ થયો કે ભારતે 60 બોલ બાકી રહેતા ન્યુઝીલેન્ડને હરાવ્યું. તમને જણાવી દઈએ કે આ ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે સૌથી વધુ બોલ બાકી રહેતા સૌથી મોટો T20I વિજય છે. આ પહેલા સૌથી વધુ બોલ બાકી રહેતા ભારતીય ટીમની સૌથી મોટો જીત બાંગ્લાદેશ સામે થઈ હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 49 બોલ બાકી રહેતા બાંગ્લાદેશને હરાવ્યું હતું.

અભિષેક અને સૂર્યકુમાર યાદવે ફટકારી તોફાની અડધી સદી

અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ બંનેએ ટીમ ઈન્ડિયાના શાનદાર જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અભિષેક અને સૂર્યકુમાર બંનેએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. અભિષેકે માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ રીતે તે T20I ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર બીજો સૌથી ઝડપી ભારતીય બન્યો.

https://twitter.com/ICC/status/2015459248394977667

અભિષેકે 20 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 68 રન બનાવ્યા. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 57 રનની ઈનિંગ રમી અને અણનમ રહ્યો. તેને પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા ફટકાર્યા. બંને સ્ટાર બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 40 બોલમાં 104 રનની ધમાકેદાર પાર્ટનરશીપ કરી. 

ન્યુઝીલેન્ડની ખરાબ શરુઆત

આ પહેલા ન્યુઝીલેન્ડની ઈનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ગ્લેન ફિલિપ્સ સિવાય કોઈએ ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો નહીં. ફિલિપ્સે 48 રન બનાવ્યા. માર્ક ચેપમેને 32 રન અને કેપ્ટન મિચેલ સેન્ટનરે 27 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ બેસ્ટ બોલર રહ્યો, તેને ત્રણ વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી.

આ પણ વાંચો: ICCના નિર્ણયને પડકારશે બાંગ્લાદેશ? BCBએ આગામી પગલાંની કરી જાહેરાત