ભારતીય મહિલા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જેમાં તે યજમાન ટીમ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 114 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.


મેકકોયના મેદાન પર રમાયેલી સિરીઝની બીજી T20 મેચમાં ભારતીય મહિલા A ટીમની કેપ્ટન રાધા યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમે શાનદાર બેટિંગ બતાવી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા. તેના જવાબમાં ભારતીય ટીમ 15.1 ઓવરમાં માત્ર 73 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

ઓસ્ટ્રેલિયા એ ટીમ સામે 188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા A ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આ મેચમાં શેફાલી વર્મા, જેની પાસેથી મોટી ઈનિંગ રમવાની અપેક્ષા હતી, તે ફક્ત 5 બોલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ સિવાય ઉમા છેત્રી ખાતું પણ ખોલી શકી નહીં.

રાઘવી બિષ્ટ પણ ફક્ત 5 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફરી. ટીમ ઈન્ડિયાની ઈનિંગમાં ફક્ત 2 બેટ્સમેન એવા હતા જે બેવડા આંકડાને પાર કરી શક્યા, દિનેશ વૃંદાએ 21 જ્યારે મીનુ મણિએ 20 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થની શાનદાર બોલિંગ જોવા મળી, જેને 3 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ લીધી.

એલિસા હીલીનું શાનદાર પ્રદર્શન

જો આપણે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયા મહિલા A ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેમાં એલિસા હીલીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. આ મેચમાં હીલીએ 44 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા. આ સિવાય તાહલિયા વિલ્સનની 43 રનની ઈનિંગ જોવા મળી. ભારતીય A ટીમ માટે બોલિંગમાં કેપ્ટન રાધા યાદવે 2 વિકેટ લીધી જ્યારે પ્રેમા રાવતે 1 વિકેટ લીધી. આ સિરીઝની છેલ્લી મેચ 10 ઓગસ્ટે મેકકોયના મેદાન પર રમાશે.


  • Follow us on: