ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરીથી ટીમમાં જોડાયો છે. ટુર્નામેન્ટ પછી વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી વિરામ લીધો અને ઈંગ્લેન્ડમાં પરિવાર સાથે વેકેશન વિતાવ્યું. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે તેની વાપસીથી ભારતીય ફેન્સ ઉત્સાહિત છે.
ભારતમાં આગમન સમયે વિરાટ કોહલીનો એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે બ્લેક શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો અને તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. એરપોર્ટ પર તેના આગમન પર ફેન્સે ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી હતી, ઘણા લોકોએ તેની સાથે ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ટીમ બે તબક્કામાં થશે રવાના
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે બે તબક્કામાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહી છે. પહેલી બેચમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જે તાજેતરમાં સમાપ્ત થયેલી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝનો ભાગ ન હતા. આ જૂથમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને કેટલાક અન્ય ખેલાડીઓનો સામેલ છે.
બીજા તબક્કામાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝમાં રમનારા અને ODI ટીમનો ભાગ રહેલા ખેલાડીઓનો સમાવેશ થશે. મુખ્ય નામોમાં શુભમન ગિલ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. બીસીસીઆઈના જણાવ્યા મુજબ ટીમની મુસાફરી યોજનાઓ ખેલાડીઓને પૂરતો આરામ અને તૈયારીનો સમય મળે તે રીતે બનાવવામાં આવી છે.
વિરાટ કોહલીનું ધ્યાન વનડે પર ફોકસ
વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેનું ધ્યાન હવે સંપૂર્ણ રીતે વનડે ક્રિકેટ પર છે. તેનું લક્ષ્ય આગામી સિરીઝમાં મજબૂત પ્રદર્શન કરવાનું અને 2027ના વનડે વર્લ્ડકપ માટે તેમની તૈયારીઓને આગળ વધારવાનું છે. વિરાટ કોહલીનો અનુભવ અને ફિટનેસ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.