T20 વર્લ્ડકપ 2026 પહેલા ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે 8 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદને બીજો ઔપચારિક પત્ર મોકલ્યો, જેમાં ભારતમાં તેના ખેલાડીઓની સલામતીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને T20 વર્લ્ડકપ મેચોનું સ્થળ ભારતથી શ્રીલંકામાં ખસેડવાની માગણીને પુનરાવર્તિત કરવામાં આવી.


T20 વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં 4 મેચ રમવાનું છે, જેમાંથી ત્રણ કોલકાતામાં અને એક મુંબઈમાં યોજાવાની છે. પરંતુ હાલના સંજોગોને જોતાં બાંગ્લાદેશે ભારતનો પ્રવાસ કરવાની ના પાડી દીધી છે.

મુસ્તફિઝુર રહેમાન વિવાદનું બન્યો કારણ

ભારતીય અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચે તણાવ ત્યારે શરૂ થયો જ્યારે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને BCCIના નિર્દેશ પર IPLમાંથી રિલીઝ કરવામાં આવ્યો. BCCIએ આ નિર્ણય પાછળની આસપાસની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહીં. ત્યારથી BCBનું વલણ વધુ કડક બન્યું છે. નામ ન આપવાની શરતે BCBના નજીકના એક સૂત્રએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, બાંગ્લાદેશ રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ નજરુલ સાથે ચર્ચા કર્યા પછી BCBએ ફરીથી ICCને પત્ર મોકલ્યો છે. ICCએ સુરક્ષા ચિંતાઓ અંગે માહિતી માગી હતી, જે BCBએ શેર કરી છે. પરંતુ તેમને તે પત્રમાં શું લખ્યું હતું તે જાહેર કર્યું નથી.

BCBમાં પણ મતભેદો

આ મુદ્દે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં મતભેદો હોવાના સમાચાર છે. એક જૂથ આસિફ નજરુલના કડક વલણને સમર્થન આપે છે, તો બીજો જૂથ ICC અને ભારતીય અધિકારીઓ સાથે વાતચીતના માર્ગો ખુલ્લા રાખવા માગે છે. આ જૂથ માને છે કે જો ભારતમાં બાંગ્લાદેશ ટીમ માટે વધુ સારી, વધુ મજબૂત અને સંપૂર્ણપણે સલામત વ્યવસ્થા કરવામાં આવે તો ઉકેલ મળી શકે છે.

ICCનું વલણ હજુ નથી સ્પષ્ટ

ICC તરફથી કોઈ ઓફિશિયલ પ્રતિભાવ આવ્યો નથી, ન તો કોલકાતા અને મુંબઈની મેચો કોલંબો ખસેડવામાં આવશે તેવા કોઈ સંકેત મળ્યા છે. પરંતુ BCBનો દાવો છે કે ICCએ સુરક્ષા ચિંતાઓનું મૂલ્યાંકન કરવામાં સહયોગ કરવાની તૈયારી દર્શાવી છે. હવે બધાની નજર ICCના આગામી પગલા પર છે, જેનાથી આ સંવેદનશીલ મુદ્દા પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે.

આ પણ વાંચો: KKR માંથી રિલીઝ થયા બાદ મુસ્તફિઝુર રહેમાને તોડ્યું મૌન, કહ્યું - ‘જો તે…’



  • Follow us on: