ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે આ વાતની પુષ્ટિ કરી. છેલ્લા ઘણા દિવસોથી ઓગસ્ટ 2025 માં યોજાનારા બાંગ્લાદેશ પ્રવાસને સ્થગિત રાખવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જે હવે પુષ્ટિ મળી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવે પણ પ્રવાસ મુલતવી રાખવામાં ભૂમિકા ભજવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ODI અને ત્રણ T20 મેચની સિરીઝ યોજાવાની હતી. BCCI અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે સપ્ટેમ્બર 2026 માં મર્યાદિત ઓવરોની સિરીઝનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.
BCCIએ કર્યો મોટો ખુલાસો
ભારતીય ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "BCB અને BCCI એ ઓગસ્ટ 2025 માં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે યોજાનારી ત્રણ ODI અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ સપ્ટેમ્બર 2026 સુધી સ્થગિત રાખવા પર પરસ્પર સંમતિ વ્યક્ત કરી છે. બંને ટીમોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ અને શેડ્યુલની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને બોર્ડ વચ્ચે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCB આ બહુપ્રતિક્ષિત સિરીઝ માટે સપ્ટેમ્બર 2026 માં ભારતનું સ્વાગત કરવા આતુર છે. પ્રવાસ માટેની સુધારેલી તારીખો અને શેડ્યુલ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે."
ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ કેમ થયો કેન્સલ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ સિરીઝ રદ થવા પાછળનું કારણ બંને ટીમોનું કડક શેડ્યુલને કહેવામાં આવી રહ્યું છે. પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો પણ આ સિરીઝ સ્થગિત રાખવાનું કારણ હોઈ શકે છે. પરંતુ BCCI એ અન્ય કોઈ કારણ જાહેર કર્યું નથી.
વિરાટ-રોહિત માટે ફેન્સને જોવી પડશે લાંબી રાહ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ભારતના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ તેમજ ટી20માંથી સંન્યાસ લઈ લીધો છે. પરંતુ વિરાટ-રોહિતના ફેન્સ બાંગ્લાદેશ સિરીઝની રાહ જોઈ રહ્યા હતા જેથી તેમના મનપસંદ ખેલાડીઓ મેદાન પર પાછા આવી શકે, પરંતુ હવે આ સિરીઝ પણ કેન્સલ કરવામાં આવી છે.