ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો ચોથો દિવસ સમાપ્ત થઈ ગયો છે. ભારતે છ વિકેટે 427 રન પર પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી અને યજમાન ટીમને 608 રનનો ટાર્ગેટ આપ્યો, જેનાથી 607 રનની મોટી લીડ મળી.
ભારતીય બોલરોએ બીજી ઈનિંગમાં ટીમને સારી શરૂઆત આપી અને ઈંગ્લેન્ડને ત્રણ ઝટકા આપ્યા. ઈંગ્લેન્ડે જેક ક્રોલી, બેન ડકેટ અને જો રૂટની વિકેટ ગુમાવી દીધી છે. રમતના અંતે ઓલી પોપ 24 રન અને હેરી બ્રુક 15 રન સાથે ક્રીઝ પર અણનમ રહ્યા. ભારત તરફથી આકાશ દીપ બે વિકેટ લઈ રહ્યો હતો, જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે ગુમાવી 3 વિકેટ
મોટા ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડની શરૂઆત સારી ન હતી રહી અને તેમને ક્રોલીને વિકેટ ગુમાવી દીધી. ક્રોલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. આ પછી આકાશ દીપે બેન ડકેટને બોલ્ડ કર્યો જે 25 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ આકાશે જો રૂટને બોલ્ડ કર્યો જે 6 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ભારતે ઈંગ્લેન્ડની ત્રણ વિકેટ લીધી. ભારતને હવે પાંચમા અને અંતિમ દિવસે જીતવા માટે સાત વિકેટ લેવી પડશે, જ્યારે જીતવા માટે ઈંગ્લેન્ડને 536 રન બનાવવા પડશે.
ભારતે ઈનિંગ કરી ડિક્લેર
કેપ્ટન શુભમન ગિલની સદી અને કેએલ રાહુલ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે છ વિકેટે 427 રન પર બીજી ઈનિંગ ડિક્લેર કરી. આમ ભારતે 607 રનની લીડ મેળવી અને ઈંગ્લેન્ડને જીત માટે 608 રનનો ટાર્ગેટ આપ્યો. ગિલે ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને 161 રન બનાવ્યા, જ્યારે રવિન્દ્ર જાડેજા 69 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ઈંગ્લેન્ડ માટે જોશ ટોંગ અને શોએબ બશીરે 2-2 વિકેટ લીધી, જ્યારે બ્રાયડન કાર્સ અને જો રૂટને 1-1 વિકેટ મળી.
ભારતે ચોથા દિવસે એક વિકેટે 64 રનથી રમવાનું શરૂ કર્યું. ભારતને દિવસનો પહેલો ઝટકો કરુણ નાયરના રૂપમાં લાગ્યો જે 26 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ રાહુલે ગિલ સાથે ઈનિંગ આગળ વધારી અને અડધી સદી ફટકારી, પરંતુ ટોંગે રાહુલને બોલ્ડ કરીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો. રાહુલ 55 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આ પછી વાઈસ-કેપ્ટન રિષભ પંત આવ્યો અને તેને ગિલ સાથે ઝડપી રમવાનું શરૂ કર્યું. રિષભ પંતે ગિલ સાથે મળીને ચોથી વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ કરી હતી. શોએબ બશીરે પંતને આઉટ કર્યો. પંત 65 રન બનાવીને આઉટ થયો.
શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
રિષભ પંત આઉટ થયા પછી ગિલે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને રવિન્દ્ર જાડેજા સાથે પાર્ટનરશિપ કરી. ગિલે સદી ફટકારી અને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું. ગિલે પહેલી ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. તેને જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 175 રન ઉમેર્યા અને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. ગિલે બશીરના બોલ પર પોતાની વિકેટ ગુમાવી અને પાંચમા બેટ્સમેન તરીકે પેવેલિયન પાછો ફર્યો. ગિલે 162 બોલની પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા. આ પછી નીતિશ રેડ્ડી 1 રન બનાવીને આઉટ થયો. જાડેજા સિવાય વોશિંગ્ટન સુંદર 12 રન બનાવીને અણનમ પરત ફર્યો.