ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. આ મેચની બીજી ઈનિંગમાં ભારતીય ચેમ્પિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં 669 રન બનાવીને 311 રનની લીડ મેળવવામાં સફળતા મેળવી હતી.
ત્યારબાદ જ્યારે ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તેમની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઓવરમાં બે વિકેટ ગુમાવીને ભારતે 42 વર્ષ જૂના ઈતિહાસનું કમબેક કર્યું છે.
યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન ખાતું ખોલાવ્યા વિના થયા આઉટ
બીજી ઈનિંગમાં ભારત તરફથી ઈનિંગની શરૂઆત કરવા માટે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ મેદાનમાં ઉતર્યા. પહેલી ઓવર ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ ફેંકી રહ્યો હતો. તેને ઓવરના ચોથા બોલ પર યશસ્વી જયસ્વાલ અને પાંચમા બોલ પર સાઈ સુદર્શનને આઉટ કરીને ભારતને ડબલ ઝટકો આપ્યો. યશસ્વી જયસ્વાલ ચાર બોલ રમ્યા પછી ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. સાઈ સુદર્શન ગોલ્ડન ડક પર આઉટ થઈ ગયો. આ બે વિકેટ સાથે ટીમ ઈન્ડિયાનો 42 વર્ષ જૂનો ઘા ફરી તાજો કર્યો.
1983માં ભારતીય ટીમ સાથે બન્યું હતું આવું
1983 પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય ટીમે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં ખાતું ખોલ્યા વિના 2 વિકેટ ગુમાવી છે. આ પહેલા ડિસેમ્બર 1983માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ભારતે કોઈ રન બનાવ્યા વિના પોતાની પહેલી 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ ઈનિંગમાં સુનીલ ગાવસ્કરે ભારત માટે 236 રન બનાવ્યા હતા, આ એકમાત્ર સમય હતો જ્યારે તેને ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરી હતી.
શુભમન ગિલ અને કેએલ રાહુલ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા
માન્ચેસ્ટર ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ભારત તરફથી કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલ અડધી સદી ફટકારીને બેટિંગ કરી રહ્યા છે. ફેન્સ બંને બેટ્સમેન પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખી રહ્યા છે. આ બંને બેટ્સમેન અહીંથી શક્ય તેટલા લાંબા સમય સુધી બેટિંગ કરવા માગશે.