માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ પણ રિષભ પંત બેટિંગ કરવા ઉતર્યો હતો. જેના કારણે તેને ફેન્સનું દિલ જીતી લીધું હતું. પરંતુ ઈજાના કારણે રિષભ પંત છેલ્લી ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો.
રિષભ પંત હાલમાં રિહેબ કરી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમના સુપરસ્ટાર વિકેટકીપર રિષભ પંતે એવું કામ કર્યું કે તેને ફરી ફેન્સનું દિલ જીતી લીધું છે. રિષભ પંતે તેની મદદથી કર્ણાટકની એક છોકરીનું જીવન બદલી નાખ્યું છે.
રિષભ પંતે ફરી જીત્યું ફેન્સનું દિલ
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ફક્ત મેદાન પર જ નહીં પણ બહાર પણ એક હીરો છે. રિષભ પંતે કર્ણાટકના બાગલકોટ જિલ્લાના રબાકવી ગામની તેજસ્વી વિદ્યાર્થીની જ્યોતિ કનબુર મઠને આર્થિક મદદ કરી છે. જ્યોતિ કાનબુર મઠને PUC સેકન્ડ એટલે કે ધોરણ 12માં 83% ગુણ મળ્યા હતા, પરંતુ તે જામકાંડીની બીએલડીઈ કોલેજમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે BCA માં પ્રવેશ માટે 40,000 રૂપિયા જમા કરાવી શકી ન હતી.
જ્યોતિના પિતા તીર્થય્યા એક નાની ચાની દુકાન ચલાવે છે, જેના કારણે તેમની પાસે તેને પ્રવેશ અપાવવા માટે પૈસા ન હતા. કોઈક રીતે રિષભ પંતને આ વાતની ખબર પડી અને કોઈ પણ વિલંબ કર્યા વિના તેને સીધી કોલેજમાં ફી જમા કરાવી દીધી.
રિષભ પંતની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા
જ્યારથી આ માહિતી સોશિયલ મીડિયા પર મળી છે, ત્યારથી સોશિયલ મીડિયા પર રિષભ પંતની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જ્યોતિએ પોતે IANS સાથે વાત કરતા કહ્યું હતું કે 'મેં ગલાગલીથી મારું PUC પૂર્ણ કર્યું અને BCA કરવાનું સપનું જોયું, પરંતુ અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી. મેં અનિલ અન્નાનો સંપર્ક કર્યો, જેમને તેના મિત્રોનો સંપર્ક કર્યો. તેમને રિષભ પંતનો સંપર્ક કર્યો અને તેમને મને મદદ કરી. ભગવાન તેમને સારું સ્વાસ્થ્ય આપે. તેમની મદદ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.