15 જાન્યુઆરીથી ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર ICC અંડર-19 વર્લ્ડકપ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ મેગા ટુર્નામેન્ટની તૈયારીમાં ભારતીય અંડર-19 ટીમ સાઉથ આફ્રિકામાં યજમાન ટીમ સામે 3 મેચની યુવા ODI સિરીઝ રમી રહી છે.
પહેલી મેચ 3 જાન્યુઆરીએ બિનોનીમાં રમાઈ હતી અને વૈભવ સૂર્યવંશીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ 25 રનથી જીત મેળવી હતી. સિરીઝની બીજી મેચ 5 જાન્યુઆરીએ બિનોનીના વિલ્મોર પાર્કમાં રમાશે.
બીજી વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો
ભારત અને સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમો વચ્ચેની 3 મેચની યુથ વનડે સિરીઝનું શરૂઆતમાં હોટસ્ટાર એપ પર લાઈવ ટેલિકાસ્ટ થવાનું હતું, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કે જાહેરાત કરી હતી કે તેનું લાઈવ પ્રસારણ ઉપલબ્ધ રહેશે નહીં. ભારતીય ફેન્સ આ ODI સિરીઝની બીજી મેચ ક્રિકેટ સાઉથ આફ્રિકાની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકે છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પણ તેની યુટ્યુબ ચેનલ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ યુથ વનડે મેચનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું.
પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીનું બેટ શાંત રહ્યું
ICC અંડર-19 વર્લ્ડકપ પહેલા યોજાઈ રહેલી આ યુથ વનડે સિરીઝમાં મોટાભાગની નજર વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર છે, જે આયુષ મ્હાત્રેની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની પહેલી મેચમાં વૈભવ બેટિંગમાં ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો હતો, 12 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો.
ભારતીય અંડર-19 ટીમ માટે પહેલી યુથ વનડેમાં હરવંશ પંગલિયાનું બેટિંગ પ્રદર્શન પ્રભાવશાળી હતું, તેને 95 બોલમાં 93 રન બનાવ્યા હતા, જ્યારે આરએસ અંબરીશે પણ 65 રન બનાવ્યા હતા. આનાથી ભારતીય અંડર-19 ટીમને 50 ઓવરમાં 301 રનનો સ્કોર બનાવવામાં મદદ મળી.
આ પણ વાંચો: IND U19 Vs SA U19: ભારતે પ્રથમ ODIમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું, આ ખેલાડીઓ બન્યા જીતના હીરો