ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. બંગાળ ક્રિકેટ એસોસિએશનના વડા સૌરવ ગાંગુલી પહેલાથી જ કહી ચૂક્યા છે કે ટીમે પ્રથમ ટેસ્ટ માટે સ્પિન-ફ્રેન્ડલી પિચની વિનંતી કરી નથી.


સૌરવ ગાંગુલીએ સાંજે પિચનું પણ નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ ઝાકળ અને વરસાદથી બચાવવા માટે આખા મેદાનને ઢાંકી દેવામાં આવ્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીરે બેટિંગ કોચ સીતારામ કોટક સાથે પિચનું નિરીક્ષણ કર્યું હતું.

સૌરવ ગાંગુલીએ કહી આ વાત

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ મેનેજમેન્ટે એવી પિચની વિનંતી કરી છે જે સ્પિનર-ફ્રેન્ડલી હશે, ત્યારે સૌરવ ગાંગુલીએ કહ્યું કે "તેઓએ હજુ સુધી તે માગ્યું નથી. તેથી હું તે સવાલનો જવાબ આપી શકતો નથી. તે ખૂબ સારી પિચ લાગે છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં ઈડન ગાર્ડન્સે બે રણજી ટ્રોફી મેચનું આયોજન કર્યું છે અને પિચો ધીમી રહી છે અને ઝડપી બોલરોને બહુ ઓછી મદદ કરી છે."

ત્રીજા દિવસથી પિચ આપી શકે છે ટર્ન

બંગાળ ક્રિકેટ એસોસિએશનના ક્યુરેટર સુજન મુખર્જીએ પિચ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમને કહ્યું કે ગંભીર પણ પિચથી સંતુષ્ટ છે. ન મુખર્જીના જણાવ્યા મુજબ ભારતના હેડ કોચે પૂછ્યું હતું કે પિચ ક્યારે સ્પિનરોને મદદ કરવાનું શરૂ કરશે અને તેમને જવાબ આપ્યો કે ત્રીજા દિવસથી ટર્નની અપેક્ષા રાખી શકાય છે.

આ પિચ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ કરશે અને સ્પિનરોને પણ. સાઉથ આફ્રિકાની ટીમમાં લેફ્ટ સ્પિનર ​​કેશવ મહારાજ, ઓફ સ્પિનર ​​સિમોન હાર્મર અને ડાબોડી સ્પિનર ​​સેનુરન મુથુસામીનો સમાવેશ થાય છે. આ બોલરોએ તાજેતરના પાકિસ્તાન પ્રવાસ પર સારું પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે સ્પિન-ફ્રેન્ડલી પિચો પર થયેલી હાર બાદ ભારતીય ટીમ સ્પિન-ફ્રેન્ડલી પિચો પર રમવાનું સંપૂર્ણપણે ટાળવાનો પ્રયાસ કરશે.


  • Follow us on: