કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા માટે ભારે નિરાશાજનક રહી છે. મુશ્કેલ પીચ પર રમાયેલી ભારત સાઉથ આફ્રિકા સામે 30 રનથી હારી ગયું છે.
મેચ 3 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, જેના કારણે ભારતીય ટીમની તૈયારી અને વ્યૂહરચના પર ઘણા સવાલો ઉભા થયા. આ હાર બાદ માત્ર ફેન્સ જ નહીં પરંતુ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ટીમના પ્રદર્શનથી નારાજ હતા.
ગાંગુલીએ કોચ ગંભીરની રણનીતિ પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ટીમની હાર બાદ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. સૌરવ ગાંગુલીએ કહ્યું કે ગૌતમ ગંભીરે ટીમના ખેલાડીઓ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ અને ટેસ્ટ મેચ 5 દિવસ સુધી રમવી જોઈએ. તેમને કોમેન્ટ કરી કે તેમને આશા છે કે કોચ ગંભીર તેમની ચિંતાઓ સાંભળશે. ગાંગુલીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ટીમની રણનીતિ અને નિર્ણયોથી સંતુષ્ટ નથી.
ગંભીરે પિચ વિવાદનો બચાવ કર્યો
મેચ પછી કોચ ગૌતમ ગંભીરે પિચને લગતી ટીકાઓનો તીખો જવાબ આપ્યો. તેમને કહ્યું કે ઈડન ગાર્ડન્સ પિચ ટીમ મેનેજમેન્ટે જે માગ કરી હતી તે જ હતી. ગંભીરે સમજાવ્યું કે પિચ ખરેખર બેટ્સમેનની ટેકનિક અને માનસિક શક્તિની કસોટી કરે છે. તેને કહ્યું કે જે બેટ્સમેન યોગ્ય બચાવ સાથે રમે છે તેઓ રન બનાવવામાં સફળ થાય છે. તેમને ક્યુરેટર સુજન મુખર્જીની પણ પ્રશંસા કરતા કહ્યું કે તેમને ટીમની માગ અનુસાર સંપૂર્ણ વિકેટ તૈયાર કરી છે.
ટેમ્બા બાવુમાએ કરી આક્રમક બેટિંગ
આ મેચમાં સાઉથ આફ્રિકાની જીત મુખ્યત્વે કેપ્ટન ટેમ્બા બાવુમાની આક્રમક બેટિંગ અને સિમોન હાર્મરની ઉત્તમ બોલિંગને કારણે થયો હતો. દબાણ હેઠળ બાવુમાએ અણનમ 55 રન બનાવ્યા, જેનાથી ટીમને મહત્વપૂર્ણ લીડ મળી.
ઓફ-સ્પિનર હાર્મરે પિચના મદદરૂપ અભિગમનો લાભ ઉઠાવ્યો, બંને ઈનિંગમાં સતત વિકેટો લીધી. ચોથી ઈનિંગમાં 124 રનનો પીછો કરતા ભારત 93 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન શુભમન ગિલ ગરદનમાં જડતાને કારણે બેટિંગ કરી શક્યો નહીં, જેના કારણે ભારતીય બેટિંગ વધુ નબળી પડી ગઈ.
ભારતીય ટીમ સિરિઝમાં પાછળ રહી ગઈ
આ જીત સાથે સાઉથ આફ્રિકાએ 2 મેચની ટેસ્ટ સિરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ હવે આગામી મેચમાં સિરિઝ બરાબર કરવા માટે પ્રયત્ન કરશે. કોલકાતા ટેસ્ટમાં થયેલી હારથી ટીમ ઈન્ડિયા પાસે ઘણા સવાલો ઉભા થયા છે, જેનો જવાબ તેમને આગામી મેચમાં તેમના પ્રદર્શન દ્વારા આપવા પડશે.