ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. બંને ટીમો કોલકાતા પહોંચી ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027ની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે સિરીઝ 2-0 થી જીતવાની તૈયારી કરી રહી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે હવે આ સિરીઝ વિશે ખુલીને વાત કરી છે.
સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ
ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. આ સિરીઝમાં જીત તેમને બીજા સ્થાને પહોંચાડી શકે છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા આ સિરીઝ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા મોહમ્મદ સિરાજે કહ્યું કે "આ સિરીઝ નવા WTC ચક્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને કારણ કે સાઉથ આફ્રિકા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભલે તેઓ પાકિસ્તાન સાથે 1-1થી ડ્રો રહ્યા હોય, અમે અમારા સારા ફોર્મ અંગે વિશ્વાસ રાખીએ છીએ. અમે સકારાત્મક વાતાવરણ બનાવ્યું છે, ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે."
મોહમ્મદ સિરાજે પણ પોતાના ફોર્મ વિશે કરી વાત
મોહમ્મદ સિરાજે આ સિઝનમાં અત્યાર સુધીમાં 33 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડ સામે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી બાદ મોહમ્મદ સિરાજે વેસ્ટ ઈન્ડીઝ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું. તે સાઉથ આફ્રિકા સામે પણ આ પ્રદર્શન ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. પોતાના ફોર્મ વિશે મોહમ્મદ સિરાજે કહ્યું કે "વ્યક્તિગત રીતે, હું સારા ફોર્મમાં બોલિંગ કરી રહ્યો છું અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માગુ છું. મજબૂત ટીમોનો સામનો કરવાથી સુધારા માટેના ક્ષેત્રો ઓળખવામાં મદદ મળે છે અને હું આ પડકાર માટે ખરેખર ઉત્સાહિત છું."