ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની રોમાંચક ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. મેન્સ ટીમની સાથે ભારતીય મહિલા ટીમ પણ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ટીમ આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝની બંને મેચ જીતી છે અને જો તે ત્રીજી મેચ પણ જીતે છે, તો ટીમ ઈન્ડિયા સિરીઝ જીતી લેશે. ભારત માટે આ કાર્ય વધુ સરળ બનતું જાય છે કારણ કે ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ ત્રીજી મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગઈ છે અને ત્રીજી T20 મેચમાં રમી શકશે નહીં. આ ઈંગ્લેન્ડ ટીમ માટે એક મોટો ઝટકો છે કારણ કે ત્રીજી મેચ પણ આ સિરીઝની નિર્ણાયક મેચ સાબિત થઈ શકે છે.
બ્રન્ટ ગ્રોઈન ઈન્જરીની બની શિકાર
ઈંગ્લેન્ડની કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ ગ્રોઈન ઈન્જરીની ઈજાને કારણે ત્રીજી મેચમાંથી બહાર થઈ ગઈ છે. તેના સ્થાને ભારત સામેની ત્રીજી T20 મેચમાં ટેમી બ્યુમોન્ટ કેપ્ટનશીપ કરતી જોવા મળશે. આ પહેલી વાર હશે જ્યારે બ્યુમોન્ટ ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરતી જોવા મળશે. બ્રન્ટે આ સિરીઝની પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પછી પણ ટીમને 97 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
રિપ્લેસમેન્ટ તરીકે કોને મળ્યું સ્થાન?
નેટ સાયવર-બ્રન્ટને બાકાત રાખવાને કારણે માઈયા બાઉચરને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. બાઉચર એક આક્રમક બેટ્સમેન છે અને તેને ઈંગ્લેન્ડ માટે 44 T20 મેચ રમવાનો અનુભવ છે. તેને ટીમ માટે રમાયેલી 37 ઈનિંગમાં 722 રન બનાવ્યા છે અને તેની એવરેજ 23.29 છે. આ સાથે તેને 3 અડધી સદી પણ ફટકારી છે.
શું બ્યુમોન્ટનો અનુભવ ઈંગ્લેન્ડ માટે કામમાં આવશે?
ટેમી બ્યુમોન્ટ એક અનુભવી ખેલાડી છે અને તેને 246 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેનો અનુભવ ઈંગ્લેન્ડ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. બ્યુમોન્ટને 106 T20 મેચ રમવાનો અનુભવ છે. આ સમય દરમિયાન તેને 24 થી વધુની એવરેજથી 1923 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયા માટે પહેલી મેચમાં સ્મૃતિ મંધાનાએ પોતાના કરિયરની પહેલી સદી ફટકારી અને ટીમને જીતના ઉંબરે પહોંચાડી. આ સાથે બીજી મેચમાં અમનજીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે તોફાની અડધી સદી ફટકારી અને ટીમને જીત તરફ દોરી ગઈ.