પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય મહિલા વર્લ્ડકપ વિજેતા ટીમને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને તેમના ઐતિહાસિક વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને ટુર્નામેન્ટમાં સતત 3 હાર બાદ ટીમના શાનદાર કમબેકની પ્રશંસા કરી હતી.


પીએમ મોદીએ કહ્યું હતું કે ટીમે માત્ર મેદાન પર જ નહીં પરંતુ સમગ્ર દેશના દિલમાં સ્થાન મેળવ્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 2017માં પ્રધાનમંત્રીને મળેલી મુલાકાતને યાદ કરી હતી, પરંતુ તે સમયે ટ્રોફી વગર મળ્યા હતા. હરમનપ્રીતે હસતાં હસતાં કહ્યું કે "હવે જ્યારે અમારી પાસે ટ્રોફી છે, તો અમે તેમને વારંવાર મળવા માગીએ છીએ."

સ્વપ્ન વાસ્તવિકતા બની ગયું છે: દીપ્તિ શર્મા

સ્મૃતિ મંધાનાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ હંમેશા તેમને પ્રેરણા આપી છે. આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે, અને આ પાછળ પીએમ મોદીનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ કહ્યું કે તે ઘણા સમયથી પીએમ મોદીને મળવાની રાહ જોઈ રહી હતી. તેણે કહ્યું કે 2017માં પીએમએ અમને કહ્યું હતું કે સખત મહેનત કરતા રહો, એક દિવસ અમારા સપના ચોક્કસ સાકાર થશે. આજે, તે સ્વપ્ન વાસ્તવિકતા બની ગયું છે.


વાતચીત દરમિયાન પીએમ મોદીએ દીપ્તિ શર્માની 'જય શ્રી રામ' ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને તેમના હાથ પર ભગવાન હનુમાનના ટેટૂનો પણ ઉલ્લેખ કર્યો. દીપ્તિએ કહ્યું કે તે તેને "શક્તિ અને પ્રેરણા" આપે છે.

પીએમએ ફિટ ઈન્ડિયાનો આપ્યો સંદેશ

આ ખાસ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રમતવીરોને "ફિટ ઈન્ડિયા" ચળવળને પ્રોત્સાહન આપવા વિનંતી કરી, ખાસ કરીને દેશભરની છોકરીઓમાં. તેમને વધતી જતી સ્થૂળતાની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ફિટ રહેવું એ સફળ થવા જેટલું જ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ ખેલાડીઓને તેમની શાળાઓની મુલાકાત લેવા અને બાળકોને પ્રેરણા આપવા કહ્યું જેથી આવનારી પેઢી પણ રમતગમતમાં જોડાઈ શકે. ભારતીય ખેલાડી ક્રાંતિ ગૌરે કહ્યું કે તેમનો ભાઈ પીએમ મોદીનો મોટો ફેન છે, જેના માટે પ્રધાનમંત્રીએ તેમને મળવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું. આ મુલાકાત હાસ્ય, પ્રેરણા અને ગર્વથી ભરેલી યાદગાર ક્ષણ હતી, જે મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિને વધુ ખાસ બનાવે છે.


  • Follow us on: