ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, 5 T20I મેચ રમી રહી છે. આ સિરીઝમાં જીતેશ શર્મા પણ રમી રહ્યો છે. આ દરમિયાન બીસીસીઆઈએ જીતેશ શર્માને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આગામી ટુર્નામેન્ટ માટે તેને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ આ મહિને યોજાવાનો છે અને ભારતની A ટીમ તેમાં રમશે. પોતાની આક્રમક સ્ટાઈલ માટે જાણીતો વૈભવ સૂર્યવંશી પણ ટીમમાં રમશે.
રાઈઝિંગ સ્ટાર્સ એશિયન કપ કતારમાં યોજાશે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ આ મહિને કતારમાં રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપનું આયોજન કરી રહી છે. બીસીસીઆઈએ આ ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી છે. જીતેશ શર્માને ભારતીય A ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા ભારતીય ખેલાડીઓ હશે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વિવિધ ટીમો માટે પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. નમન ધીરને ટીમનો વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પહેલી વાર છે જ્યારે બીસીસીઆઈએ નમન ધીરને આટલી મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે.
ભારત અને પાકિસ્તાનની A ટીમો વચ્ચે પણ રમાશે એક મેચ
જીતેશ શર્મા હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. તેને 5 મેચની સિરીઝની ત્રીજી મેચ રમી હતી, જેમાં તેને ઝડપી 22 રન બનાવ્યા હતા. સિરીઝમાં હજુ બે મેચ બાકી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જીતેશ તે મેચોમાં પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. તે પછી 14 નવેમ્બરથી શરૂ થનારો રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ રમાશે. ભારતીય ટીમની પહેલો મેચ યુએઈ સામે થશે. ભારત અને પાકિસ્તાન A ટીમો રવિવાર 16 નવેમ્બરના રોજ એકબીજા સામે ટકરાશે.
વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય ટીમનો ભાગ છે
ભારતના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી, જેમણે પોતાની વિસ્ફોટક બેટિંગથી નામના મેળવી છે, તેમને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આક્રમક બેટિંગ કરનાર પ્રિયાંશ આર્ય પણ ભારત માટે ઈનિંગની શરૂઆત કરે તેવી અપેક્ષા છે.
રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારત A ટીમ
પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, નમન ધીર (વાઈસ-કેપ્ટન), સૂર્યાંશ શેડગે, જીતેશ શર્મા (કેપ્ટન), રમનદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુરજાપનીત સિંહ, વિજય કુમાર વૈશ્ય, યુદ્ધવીર સિંહ ચરક, અભિષેક પોરેલ (વિકેટકીપર), સુયશ શર્મા.
સ્ટેન્ડ બાય ખેલાડીઓ: ગુરનૂર સિંહ બ્રાર, કુમાર કુશાગરા, તનુષ કોટિયન, સમીર રિઝવી, શેખ રશીદ.
ભારતના રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપનું શેડ્યુલ
શુક્રવાર, 14 નવેમ્બર: ભારત વિ યુએઈ
રવિવાર, 16 નવેમ્બર: ભારત વિ પાકિસ્તાન
મંગળવાર, 18 નવેમ્બર: ભારત વિ ઓમાન
શુક્રવાર, 21 નવેમ્બર – સેમી-ફાઈનલ
શુક્રવાર, 21 નવેમ્બર – સેમી-ફાઈનલ 2
રવિવાર, 23 નવેમ્બર – ફાઈનલ