ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝના સમાપન બાદ ICCએ તેનું રેન્કિંગ જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ODIમાં શાનદાર સદી ફટકારનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રેન્કિંગમાં નોંધપાત્ર છલાંગ લગાવી છે.
રોહિત શર્મા બીજા બધા બેટ્સમેનોને પાછળ છોડીને નંબર 1 સ્થાન પર પહોંચી ગયો છે. આ દરમિયાન ભારતીય ટીમના નવા ODI કેપ્ટન શુભમન ગિલને 2 સ્થાન નીચે આવીને ઝટકો લાગ્યો છે.
રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન
ICC દ્વારા જાહેર કરાયેલા નવા ODI રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રોહિત શર્માએ નંબર 1 સ્થાન મેળવ્યું છે. આ વખતે રોહિત શર્મા 2 સ્થાનનો ઉછાળો આવ્યો છે અને તેનું રેટિંગ 781 થઈ ગયું છે. રોહિત શર્માએ પહેલીવાર ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. કેપ્ટનશીપ પરથી હટાવીને બેટ્સમેન તરીકે મેદાનમાં આવતાની સાથે જ તે પહેલા અડધી સદી અને પછી સદી ફટકારવામાં સફળ રહ્યો. આના પરિણામે રોહિત શર્માએ નંબર 1 સ્થાન મેળવ્યું છે.
ઓસ્ટ્રેલિયા સામે રોહિતે રમી શાનદાર ઈનિંગ
ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ રોહિત શર્મા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પહેલી મેચમાં તે ફક્ત 8 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ બીજી મેચમાં તેને 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ ત્રીજી અને અંતિમ મેચમાં રોહિત શર્માએ 121 રનની અણનમ ઈનિંગ રમી હતી. રોહિતની સાથે આ સિરીઝ વિરાટ કોહલી માટે પણ મહત્વપૂર્ણ હતી. વિરાટ કોહલીએ અંતિમ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી, પરંતુ તેની રેન્કિંગ પર ખાસ અસર પડી ન હતી.
શુભમન ગિલ અને વિરાટ કોહલીને થયું નુકસાન
રોહિત શર્મા પછી અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝદરાન ICC ODI રેન્કિંગમાં બીજા નંબરે યથાવત છે. આ દરમિયાન શુભમન ગિલ હવે ટોચ પરથી ત્રીજા નંબરે સરકી ગયો છે. તે બે સ્થાન ગુમાવી ચૂક્યો છે. હાલમાં શુભમન ગિલનું રેટિંગ 745 છે. પાકિસ્તાનનો બાબર આઝમ 739 રેટિંગ સાથે ચોથા નંબરે છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિચેલ પણ એક સ્થાન આગળ વધ્યો છે. તે હવે 734 રેટિંગ સાથે પાંચમા નંબરે છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તે હવે એક સ્થાન નીચે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. તેનું રેટિંગ હવે 725 છે.