ભારતીય ક્રિકેટમાં જો કોઈ ખેલાડી સૌથી વધુ ફેન્સ ધરાવે છે, તો તે એમએસ ધોની છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો પછી પણ એમએસ ધોનીનો ક્રેઝ અકબંધ છે. હવે બોલીવુડ એક્ટર અને ETPL ના સહ-સ્થાપક અભિષેક બચ્ચને એક એવી ઈચ્છા વ્યક્ત કરી છે જેણે ક્રિકેટ ફેન્સને ઉત્સાહિત કર્યા છે.


અભિષેકે ધોની વિશે આપ્યું નિવેદન

ડબલિનમાં અભિષેક બચ્ચનને પૂછવામાં આવ્યું કે તે કયા ભારતીય ક્રિકેટરને યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં રમતા જોવા માગે છે. એક પણ ક્ષણ બગાડ્યા વિના તેને કહ્યું - મહેન્દ્ર સિંહ ધોની. મીડિયા સાથે વાત કરતા અભિષેકે કહ્યું, "શું કોઈને કારણ આપવાની જરૂર છે કે તમે મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટના મેદાન પર કેમ જોવા માંગો છો?"

મહેન્દ્ર સિંહ ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવા છતાં તેની લોકપ્રિયતા હજુ પણ સમગ્ર વિશ્વમાં અકબંધ છે. તે હજુ પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં તેને ઈજા થઈ હતી જેના કારણે તે IPL 2026 સીઝનમાં મેદાન પર જોવા મળ્યો ન હતો.

અભિષેક બચ્ચને BCCIના નિયમનો પણ ઉલ્લેખ કર્યો જે વર્તમાન ભારતીય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં ભાગ લેવાથી રોકે છે. તેને કહ્યું કે "અમે ઇચ્છતા હતા કે વર્તમાન ભારતીય ક્રિકેટરો ETPLનો ભાગ બને. પરંતુ જેમ આપણે જાણીએ છીએ BCCI કોન્ટ્રાક્ટ ધરાવતા ભારતીય ખેલાડીઓને IPL સિવાય કોઈપણ વિદેશી લીગમાં રમવાની મંજૂરી નથી. અમને તેમની ખોટ સાલશે. તેમને અમારી સાથે રાખવાનું ખૂબ સારું હોત."

ETPLમાં ઘણા મોટા સ્ટાર્સ લેશે ભાગ

તેને વધુમાં કહ્યું કે ભારતીય ખેલાડીઓ સિવાય દુનિયાભરના ઘણા બેસ્ટ ક્રિકેટરો ETPLમાં રમવા આવી રહ્યા છે, તેથી તેમને લાગે છે કે આ લીગ શાનદાર રહેશે. અભિષેક બચ્ચને ETPLના વિઝન વિશે પણ વાત કરી. તેને કહ્યું કે આ લીગનો ઉદ્દેશ્ય યુરોપના સ્થાનિક ખેલાડીઓને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

યુરોપિયન T20 પ્રીમિયર લીગ 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ નવી ફ્રેન્ચાઈઝી આધારિત લીગમાં ઘણા મોટા નામો પહેલાથી જ જોડાઈ ચૂક્યા છે. રાહુલ દ્રવિડ ડબલિન ગાર્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક બની ગયા છે, જ્યારે સ્ટીવ વો, જોન્ટી રોડ્સ અને ગ્લેન મેક્સવેલ પણ વિવિધ ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: