IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ફરી એકવાર મેદાન પર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં તેણે માત્ર 18 બોલમાં ફિફ્ટી ફટકારીને આ સિઝનનું પોતાનું પ્રથમ અને શાનદાર અર્ધશતક નોંધાવ્યું હતું.


અર્શદીપ સિંહની ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા

પંજાબ કિંગ્સ સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને અભિષેક શર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે અર્શદીપ સિંહની ઓવરમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને પોતાના તેવર બતાવ્યા હતા. ત્યારબાદ વિજયકુમાર વિશાકની એક જ ઓવરમાં 4 છગ્ગા ફટકારીને મેદાનમાં સનસનાટી મચાવી દીધી હતી.

28 બોલમાં 74 રન બનાવ્યા

અભિષેક અને ટ્રેવિસ હેડે મળીને પાવરપ્લેમાં જ ટીમને 100 રનનો આંકડો પાર કરાવ્યો હતો. અભિષેક શર્માએ આઉટ થતા પહેલા માત્ર 28 બોલમાં 74 રન બનાવ્યા હતા, જેમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઈનિંગના કારણે હૈદરાબાદે 8.1 ઓવરમાં જ 120 રનની ભાગીદારી કરી લીધી હતી.

બેટિંગ ટેકનિકમાં શું કર્યો ફેરફાર?

અભિષેકની આ સફળતા પાછળ તેના બેટિંગ સ્ટાન્સમાં કરેલો ફેરફાર મુખ્ય રહ્યો છે. અત્યાર સુધી અભિષેક બેકફૂટ પર જઈને શોટ્સ રમતો હતો, જેના કારણે તે શોર્ટ બોલમાં ફસાતો હતો. આ વખતે તેણે ક્રીઝ પર અંત સુધી સ્થિર ઊભા રહીને શોટ્સ રમવાનું નક્કી કર્યું. તેનાથી તેનું માથું સ્થિર રહ્યું અને બેલેન્સ સુધર્યું, જેના પરિણામે તે ગ્રાઉન્ડની ચારેબાજુ છગ્ગા વરસાવી શક્યો.


આ પણ વાંચો - IPL 2026 Point Table: રાજસ્થાન રોયલ્સ નંબર-1 પર અકબંધ, જાણો અન્ય ટીમોની સ્થિતિ


  • Follow us on: