IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે મિશ્ર લાગણીઓ વાળો દિવસ રહ્યો હતો. એક તરફ તે ખૂબ મોંઘો સાબિત થયો, તો બીજી તરફ તેને મેચના અંતે 1 લાખ રૂપિયાનું ઈનામ પણ મળ્યું.
અર્શદીપ સિંહને મળ્યું 1 લાખનું ઈનામ
હૈદરાબાદ સામેની હાઈ-સ્કોરિંગ મેચમાં અર્શદીપ સિંહે પોતાની 4 ઓવરના સ્પેલમાં 12.50ની ઈકોનોમીથી 50 રન લુટાવ્યા હતા. જોકે, આ દરમિયાન તેણે 2 મહત્વની વિકેટ પણ ઝડપી હતી. આ મેચમાં તે સૌથી મોંઘો બોલર સાબિત થયો હોવા છતાં, તેણે 'ગ્રીન ડોટ બોલ એવોર્ડ' (Green Dot Ball Award) પોતાના નામે કર્યો હતો.
સૌથી વધુ ડોટ બોલનો રેકોર્ડ
અર્શદીપને આ ઈનામ મળવા પાછળનું કારણ તેના દ્વારા ફેંકવામાં આવેલા 'ડોટ બોલ' છે. આખી મેચમાં હૈદરાબાદ અને પંજાબના તમામ બોલરોમાં અર્શદીપ સિંહે સૌથી વધુ 10 ડોટ બોલ ફેંક્યા હતા. IPL ના નિયમ મુજબ, મેચમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલરને 1 લાખ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવે છે.
સિઝનનું અત્યાર સુધીનું પ્રદર્શન
અર્શદીપ સિંહ માટે આ સિઝનની શરૂઆત ઘણી ધીમી રહી છે. અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં તેને માત્ર 2 જ વિકેટ મળી છે, અને આ બંને વિકેટ પણ હૈદરાબાદ સામેની આ મેચમાં જ આવી છે. અગાઉની ત્રણ મેચમાં તે એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. પંજાબ કિંગ્સને આશા છે કે, આ વિકેટો મળ્યા બાદ અર્શદીપ ફરી પોતાની જૂની લયમાં જોવા મળશે.
આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: પ્રિયાંશ આર્યાની ધૂઆંધાર બેટિંગ, અભિષેક શર્મા કરતા પણ ફાસ્ટ ફટકારી ફિફ્ટી