IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં રનનો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. હૈદરાબાદે આપેલા 220 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબના યુવા ઓપનર પ્રિયાંશ આર્યાએ એવી બેટિંગ કરી કે હૈદરાબાદના અભિષેક શર્માનો રેકોર્ડ પણ ઝાંખો પડી ગયો છે.
પ્રિયાંશ આર્યાનું તોફાન
હૈદરાબાદ સામે 220 રનનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 6.2 ઓવરમાં 99 રનની ભાગીદારી કરી હૈદરાબાદના બોલરોને લાચાર કરી દીધા હતા. પ્રિયાંશ આર્યાએ આક્રમક રમત બતાવતા માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી ફટકારી
ઉલ્લેખનીય છે કે, આજ મેચની પ્રથમ ઇનિંગમાં હૈદરાબાદના અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ પ્રિયાંશ આર્યાએ તેનાથી પણ 2 બોલ ઓછા રમીને આ સિદ્ધિ મેળવી છે. પ્રિયાંશે પોતાની 20 બોલની ઇનિંગમાં 57 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
પ્રભસિમરન સિંહનો સાથ
બીજી તરફ પ્રભસિમરન સિંહે પણ શાનદાર બેટિંગ કરતા 25 બોલમાં 51 રન (4 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ માટે આ સિઝનનું પ્રથમ અર્ધશતક છે. અગાઉ બંને ખેલાડીઓ સારી શરૂઆત મેળવ્યા બાદ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ હૈદરાબાદ સામે તેમણે પંજાબ માટે જીતની આશા જીવંત રાખી છે.
આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: અભિષેક શર્માની તોફાની બેટિંગ: 18 બોલમાં અડધી સદી અને 74 રનની વિસ્ફોટક ઇનિંગ