IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પાવરપ્લેમાં પોતાની લય ગુમાવી બેઠેલા અર્શદીપે લાઈન-લેન્થ વગરની બોલિંગ કરીને હૈદરાબાદના બેટ્સમેનોને રન ભેટમાં આપ્યા હતા.


હૈદરાબાદ સામેની મેચમાં પંજાબ કિંગ્સને અર્શદીપ સિંહ પાસેથી વહેલી સફળતાની આશા હતી, પરંતુ તેનાથી ઉલટું જોવા મળ્યું. અર્શદીપે તેની પ્રથમ ઓવરની શરૂઆત જ વાઈડ બોલથી કરી હતી અને પ્રથમ ઓવરમાં 9 રન આપ્યા હતા. તેની બીજી ઓવર પંજાબ માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થઈ, જેમાં અભિષેક શર્માએ તેની બરાબરની ધોલાઈ કરી હતી.

એક ઓવરમાં 4 વાઈડ અને 24 રન

પોતાની બીજી ઓવરમાં અર્શદીપે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને 4 વાઈડ બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં અભિષેક શર્માએ 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને કુલ 24 રન ઝૂડી કાઢ્યા હતા. આમ, માત્ર 2 ઓવરમાં જ અર્શદીપે 33 રન લુટાવ્યા હતા અને તેને આ 12 બોલ ફેંકવા માટે કુલ 18 વખત રન-અપ લેવો પડ્યો હતો.

પાવરપ્લેના ચોંકાવનારા આંકડા

છેલ્લી 10 આઈપીએલ મેચોના આંકડા જોઈએ તો અર્શદીપ સિંહ પાવરપ્લેમાં સદંતર નિષ્ફળ રહ્યો છે. તેણે પાવરપ્લેના 20 ઓવરમાં 10.8ની નબળી ઈકોનોમીથી 216 રન ખર્ચ્યા છે, પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે આ સમયગાળા દરમિયાન તેને એક પણ વિકેટ મળી નથી. નવી બોલથી વિકેટ લેવા માટે જાણીતો આ બોલર અત્યારે પંજાબ માટે માથાનો દુખાવો બની ગયો છે.


આ પણ વાંચો - IPL 2026 Point Table: રાજસ્થાન રોયલ્સ નંબર-1 પર અકબંધ, જાણો અન્ય ટીમોની સ્થિતિ


  • Follow us on: