IPL 2026 ની સીઝનમાં એક મોટો વિવાદ સર્જાયો છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ લાઈવ મેચ દરમિયાન ઈ-સિગારેટ (વેપિંગ) પીતા કેમેરામાં ઝડપાયા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના બાદ BCCI એ રિયાન પરાગને સજા ફટકારી છે. ક્રિકેટરની મેચ ફીમાં 25% નો કાપ મુકવા સાથે ખેલાડીના ખાતે એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. મેચ રેફરી અમિત શર્માએ તેને લેવલ 1 નો ગુનો અને આચારસંહિતાની કલમ 2.21 નું ઉલ્લંઘન ગણાવ્યું છે. રિયાન પરાગની વેપિંગની ઘટના અન્ય ક્રિકેટર માટે ખરેખર પદાર્થ પાઠ બનશે, શું ક્રિકેટર કોઈ શીખ લેશે..
કેપ્ટન, શિસ્ત અને રૂમ કલ્ચર પર ઉઠયા સવાલ
રિયાનની વેપિંગ ઘટનાથી ડ્રેસિંગ રૂમ કલ્ચર અને ટીમની શિસ્ત પર ગંભીર સવાલ ઉઠવા લાગ્યા છે. ટીમમાં અત્યારે વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ છે. જેઓ સિનિયર ખેલાડીઓને આદર્શ માને છે. ત્યારે યુવા ખેલાડીઓને આ ઘટના શું શીખ આપશે. કેપ્ટન તરીકે રિયાન પરાગની જવાબદારી ટીમનું નેતૃત્વ કરવાની છે, પરંતુ તેનું આ વર્તન રમતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. ડ્રેસિંગ રૂમમાં યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ અને યુદ્ધવીર સિંહ ચરક જેવા ખેલાડીઓની હાજરીમાં પણ પરાગ જે રીતે નિશ્ચિંત થઈને વેપિંગ કરી રહ્યા હતા, તે દર્શાવે છે કે આ તેમની પહેલી ભૂલ નહોતી.













