ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2026 ની મેચ મંગળવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે, જ્યારે ગુજરાત 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.

આજની મેચ જે પણ ટીમ જીતશે તે RCB ને પાછળ છોડી દેશે, જે 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે. તેથી આજે એક રોમાંચક મેચની અપેક્ષા છે.

હેનરિક ક્લાસેન સિદ્ધિ હાંસલ કરવાની તક

ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં ઓરેન્જ કેપ ધારક અને સનરાઈઝર્સ વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેન એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. હેનરિક ક્લાસેન 2018 માં શરૂ થયેલા તેના IPL કરિયરમાં 60 મેચ રમી છે અને 42.91 ની એવરેજ અને 166.44 ના સ્ટ્રાઈક રેટથી 1,974 રન બનાવ્યા છે.

આ સમયગાળા દરમિયાન તેને 2 સદી અને 12 અડધી સદી ફટકારી છે. જો હેનરિક ક્લાસેન ગુજરાત સામે 26 વધુ રન બનાવવામાં સફળ થાય છે, તો તે 2,000 IPL રન સુધી પહોંચી જશે અને આ સિદ્ધિ મેળવનાર સાતમો સાઉથ આફ્રિકન બેટ્સમેન બનશે.

શાનદાર ફોર્મમાં છે હેનરિક ક્લાસેન

આ સિઝનમાં હેનરિક ક્લાસેન શાનદાર ફોર્મમાં છે. તેને 11 મેચની 11 ઈનિંગમાં 494 રન બનાવ્યા છે. ગુજરાત સામે 6 રન બનાવતાની સાથે જ તે 500 રન પૂરા કરી લેશે. તે આ સિઝનમાં 500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે. વધુમાં આ પહેલી વાર હશે જ્યારે ક્લાસેન એક સિઝનમાં 500 રનનો આંકડો પાર કરશે. કુલ રનની દ્રષ્ટિએ આ ક્લાસેનની બેસ્ટ સિઝન છે.

હેનરિક ક્લાસેન પહેલા IPLમાં 2000 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં એબી ડીવિલિયર્સ (2008 થી 2021 વચ્ચે 184 મેચમાં 5162 રન), ફાફ ડુ પ્લેસિસ (2012 થી 2025 વચ્ચે 154 મેચમાં 4773 રન), ક્વિન્ટન ડીકોક (2013 થી 2026 સુધી 118 મેચમાં 3441 રન), ડેવિડ મિલર (2012 થી 2026 સુધી 150 મેચમાં 3251 રન), જેક્સ કાલિસ (2008 થી 2014 વચ્ચે 98 મેચમાં 2427 રન), અને જેપી ડ્યુમિની (2009 થી 2018 વચ્ચે 83 મેચમાં 2029 રન)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: