મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુધવારે રાત્રે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી મેચમાં હારની સાથે પંડ્યાને મેદાન પર ગેરવર્તન કરવું ભારે પડ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આઈપીએલ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ હાર્દિક પંડ્યા પર દંડ ફટકારવામાં આવ્યો છે.

હાર્દિક પંડયા પર ગુસ્સે BCCI

કમરના દુખાવાના કારણે સતત ત્રણ મેચ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ આ મેચમાં વાપસી કરી હતી. પરંતુ, વાપસી કરતા જ તેને IPL આચારસંહિતાની કલમ ૨.૨ નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કલમ "મેચ દરમિયાન ક્રિકેટ સાધનો, કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિક્સર અને ફિટિંગના દુરુપયોગ" સાથે સંબંધિત છે. આ ગેરવર્તન બદલ હાર્દિકને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરાયો છે.

મેદાન પર કેમ ગુસ્સે ભરાયો હાર્દિક પંડ્યા?

KKR ની ઇનિંગ્સની ૧૦મી ઓવર દરમિયાન આ ઘટના બની હતી. હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ક્રીઝ પર હાજર મનીષ પાંડેએ તેને સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછીના બોલ પર પંડ્યાએ ખતરનાક બેટ્સમેન રોવમેન પોવેલને જાળમાં ફસાવ્યો અને બોલ હવામાં ગયો. પરંતુ, ફિલ્ડર દીપક ચહર અને રોબિન મિન્ટ્ઝ વચ્ચે તાલમેલના અભાવે એક સરળ કેચ છૂટી ગયો. બંનેમાંથી કોઈએ કેચ પકડવાનો પ્રયાસ પણ ન કર્યો. ટોપ-એજ થયેલો આ કેચ જ્યારે છૂટ્યો ત્યારે પોવેલ માત્ર ૧૪ રન પર રમી રહ્યો હતો. આ મોટી તક ગુમાવવાના ગુસ્સામાં હાર્દિક પંડ્યાએ રન-અપ પર પાછા ફરતી વખતે જોરથી વિકેટની બેલ્સ (Bails) નીચે પાડી દીધી હતી. મેચ રેફરીએ આ વર્તનને ગંભીરતાથી લઈને તેના પર એક્શન લીધા છે.

મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની 9મી હાર

MI સામે રમતા જીવનદાન મળ્યા બાદ રોવમેન પોવેલે ૩૦ બોલમાં ૪૦ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી નાખી. આ સિવાય મનીષ પાંડેને તેની ૩૩ બોલમાં ૪૫ રનની મેચ વિનિંગ ઇનિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યાએ પોતાની બે ઓવરમાં ૧૩ રન આપ્યા પરંતુ તેને કોઈ સફળતા ન મળી. પરિણામે, કોલકાતા નાઈટ રાઈડર્સે ૬ બોલ બાકી રહેતા ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો અને પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી. બીજી તરફ, ટૂર્નામેન્ટમાંથી પહેલાથી જ બહાર થઈ ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનની ૯મી હારનો સામનો કરવો પડ્યો છે.


આ પણ વાંચો : Mumbai Indiansએ હાંસલ કરી અનોખી સિદ્ધિ, PWI પછી આવું કરનારી બીજી IPL ટીમ બની