આઈપીએલ 2026 (IPL 2026) માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય વિસ્ફોટક ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટિંગથી ધમાકો મચાવ્યો છે. મેદાન પર આવતાની સાથે જ વિશ્વના દિગ્ગજ બોલરો લાઈન-લેન્થ ભૂલી જાય છે. જસપ્રીત બુમરાહ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, કાગીસો રબાડા અને રાશિદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ બોલરો સામે વૈભવે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો છે. પરંતુ, આ આખી સીઝનમાં એક એવો ભારતીય બોલર પણ છે જેની સામે આ યુવા સનસનાટી સાવ લાચાર નજરે પડી છે.
૧૨ બોલમાં ફક્ત ૨ રન અને બે વાર આઉટ!
વૈભવ સૂર્યવંશીના આ વિજયી રથને રોકનાર બીજું કોઈ નહીં પણ લખનૌ સુપર જાયન્ટ્સનો ડાબોડી ફાસ્ટ બોલર મોહસીન ખાન છે. IPL 2026 માં જ્યારે પણ આ બંનેનો સામનો થયો છે, ત્યારે મોહસીન વૈભવ પર ભારે પડ્યો છે. વૈભવે મોહસીન સામે રમેલા 12 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો છે અને બંને વખત મોહસીને તેને પેવેલિયન ભેગો કર્યો છે. સીઝનની 64મી મેચમાં વૈભવ જબરદસ્ત ફોર્મમાં હતો અને તેણે 38 બોલમાં 93 રન ફટકારી દીધા હતા, પરંતુ જેવો મોહસીન બોલિંગમાં આવ્યો કે તરત જ તેણે વૈભવની વિકેટ ખેરવી લીધી.
મેડન ઓવર સાથે વિકેટ ઝડપી
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ સીઝનની પહેલી મેચમાં મોહસીને વૈભવ સામે એક શાનદાર મેડન ઓવર ફેંકી હતી. આ ઓવરના પ્રથમ 5 બોલ વૈભવ રમી શક્યો નહોતો અને છેલ્લે છઠ્ઠા બોલ પર મોહસીને તેને આઉટ કરી દીધો હતો. ઊંચી કદકાઠી ધરાવતા મોહસીન ખાન પાસે શાનદાર બાઉન્સ, સ્વિંગ અને વેરિયેશન છે, જેના કારણે 15 વર્ષના આ બેટ્સમેનને સતત મુશ્કેલી પડી છે. ભવિષ્યમાં મોટી ઈનિંગ્સ રમવા માટે વૈભવે પોતાની આ નબળાઈ પર કામ કરવું પડશે.
મોહસીન ખાને લીગમાં પહેલીવાર લીધી 5 વિકેટ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 ની 13 ઇનિંગ્સમાં 245 બોલ રમીને શાનદાર 579 રન બનાવ્યા છે. બીજી તરફ મોહસીન ખાને રાજસ્થાન સામેની છેલ્લી મેચમાં કાતિલ બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી (પંજો ખોલ્યો હતો). આ તેની આઈપીએલ કરિયરનો પહેલો ફાઈવ વિકેટ હોલ (5-wicket haul) છે. ચાલુ સીઝનની 6 મેચમાં તે 11 વિકેટ લઈ ચૂક્યો છે. મોહસીનનો ઓવરઓલ આઈપીએલ રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે, તેણે 30 મેચમાં 38 વિકેટ ઝડપી છે અને તેનો ઈકોનોમી રેટ માત્ર 8.2 નો રહ્યો છે.
આ પણ વાંચો : KKR Vs MI: કોલકાતાએ મુંબઈને 4 વિકેટે હરાવ્યું, મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ