જ્યારે યુવા ખેલાડીઓ IPL 2026માં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય બોલર જસપ્રીત બુમરાહનું નિરાશાજનક પ્રદર્શન બધાને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.


જસપ્રીત બુમરાહના બોલમાં એવી તીક્ષ્ણતાનો અભાવ છે જે એક સમયે સૌથી અનુભવી બેટ્સમેનોને પણ હાર માની લેવા મજબૂર કરતી હતી. આનું કારણ શું છે? ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ હવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

જસપ્રીત બુમરાહ અંગે રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલ 2026માં અત્યાર સુધીમાં 10 મેચમાં માત્ર 3 વિકેટ ઝડપી શક્યો છે. તેનું પ્રદર્શન ટીમ માટે ચિંતાનો વિષય બની ગયું છે, અને આ જ કારણે આ સિઝનમાં મુંબઈનું અભિયાન પાટા પરથી ઉતરી ગયું હોય તેવું લાગે છે.

આ દરમિયાન રવિ શાસ્ત્રીએ જસપ્રીત બુમરાહના સંઘર્ષ પાછળનું વાસ્તવિક કારણ જાહેર કરતા કહ્યું કે છેલ્લા 12 મહિનાનો ભારે વર્કલોડ તેના પ્રદર્શનને અસર કરી રહ્યો છે. રવિ શાસ્ત્રીએ જિયો હોટસ્ટારના ચેમ્પિયન્સ વાલી કોમેન્ટ્રી શો પર કહ્યું કે જસપ્રીત બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો છે, જેમાં એશિયા કપ અને ICC T20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો સમાવેશ થાય છે.

તેથી ફક્ત શારીરિક થાક જ નહીં પરંતુ માનસિક થાક પણ તેની રમતને અસર કરી રહ્યો છે. તેમને વધુમાં કહ્યું કે આગામી સમયમાં ભારતનું શેડ્યૂલ વધુ બિઝી બનવાનું છે, જેમાં ઘણી ટેસ્ટ સિરીઝ અને ODI વર્લ્ડકપનો સમાવેશ થાય છે. તેથી જસપ્રીત બુમરાહની ફિટનેસ અને વર્કલોડનું કાળજીપૂર્વક સંચાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્લેઓફ સુધીનો રસ્તો ખૂબ જ મુશ્કેલ

મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે જીત મેળવી હતી, પરંતુ ટીમની સ્થિતિ હજુ પણ નબળી છે. 10 મેચમાંથી ફક્ત 3 જીત સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

જો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં સ્થાન મેળવવું હોય, તો તેમને બાકીની બધી મેચ જીતવી પડશે. વધુમાં તેમને અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે, જે તેમના માટે એક મુશ્કેલ પડકાર છે. સરળ શબ્દોમાં કહીએ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય લાગે છે, પરંતુ આશા જીવંત છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે 10 મેના રોજ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે પોતાની આગામી મેચ રમશે. આ મેચ ટીમ માટે કરો યા મરો જેવી મેચ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: