કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત ટાઈટન્સને 29 રનથી હરાવ્યું. આ જીત સાથે કોલકાતાએ પ્લેઓફની આશા જીવંત રાખી. ફિન એલન, અંગક્રિશ રઘુવંશી અને કેમેરોન ગ્રીને અડધી સદી ફટકારીને KKRને મોટી જીત અપાવી.

ગુજરાત ટાઈટન્સના ત્રણ બેટ્સમેનોએ પણ અડધી સદી ફટકારી. સાઈ સુદર્શન, જોસ બટલર અને શુભમન ગિલની અડધી સદી ગુજરાતને જીત અપાવવામાં નિષ્ફળ રહી.

KKRએ ગુજરાતનો વિજય ક્રમ રોક્યો

ગુજરાત ટાઈટન્સે સતત પાંચ મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહી હતી. પરંતુ કોલકાતાની જીતથી શુભમન ગિલ અને તેની ટીમનો વિજય ક્રમ તૂટી ગયો છે. ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 247 રનનો સ્કોર બનાવ્યો. આ IPL ઈતિહાસમાં KKRનો ત્રીજો સૌથી મોટો સ્કોર હતો.

વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત સારી રહી. જ્યારે સાઈ સુદર્શન ઈજાને કારણે મેદાન છોડીને ચાલ્યો ગયો ત્યારે ગુજરાતે 3 ઓવરમાં 42 રન બનાવી લીધા હતા. સુદર્શનના જવાથી બેટિંગની ગતિ તૂટી ગઈ અને ગુજરાતના બેટ્સમેન આગામી 5 ઓવરમાં ફક્ત 32 રન જ બનાવી શક્યા. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

મેચમાં 6 અડધી સદી ફટકારી

આ મેચમાં કુલ 465 રન બન્યા હતા અને 6 અલગ અલગ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. કોલકાતા તરફથી ફિન એલને 93 રન, અંગક્રિશ રઘુવંશીએ 82 રન અને કેમેરોન ગ્રીને 52 રન સાથે અડધી સદી ફટકારી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલ 85 રન, સાઈ સુદર્શન 53 રન અને જોસ બટલરે 57 રન સાથે અડધી સદી ફટકારી હતી. સુદર્શન આઈપીએલ 2026માં સતત ચાર અડધી સદી ફટકારી ચૂક્યો છે.

કોલકાતાની ખરાબ શરૂઆત

કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા બેટિંગ કરતા ખરાબ શરૂઆત કરી હતી, જેમાં કેપ્ટન અજિંક્ય રહાણેએ 44 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ફિન એલન અને અંગક્રિશ રઘુવંશીએ બીજી વિકેટ માટે 41 બોલમાં 95 રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. એલન 35 બોલમાં 93 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. અહીંથી બેટિંગ કરવા આવેલા કેમેરોન ગ્રીને રઘુવંશી સાથે રન રેટ જાળવી રાખ્યો હતો, જેના કારણે સ્કોર 247 સુધી પહોંચી ગયો હતો. અંગક્રિશ રઘુવંશીએ 82 રન બનાવ્યા હતા, જ્યારે કેમેરોન ગ્રીને શાનદાર 52 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ સિરાજ અને સાઈ કિશોરે 1-1 વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર શરૂઆત

ગુજરાત ટાઈટન્સ ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી, ત્યારે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની તેમની ઓપનિંગ જોડીએ ઝડપી શરૂઆત કરી, પરંતુ સુદર્શન 52 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા નિશાંત સિંધુ માત્ર 1 રન બનાવીને આઉટ થયા. ત્યાંથી શુભમન ગિલ અને જોસ બટલરે 128 રનની પાર્ટનરશીપ કરીને ગુજરાતને મેચમાં રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગિલના 85 અને બટલરના 57 રનની મદદથી ગુજરાત ટાઈટન્સની હાર નિશ્ચિત થઈ ગઈ. ગિલના ગયા પછી બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શન 53 રનની ઈનિંગ રમીને અણનમ રહ્યા. KKR માટે સુનીલ નારાયણે 2 વિકેટ લીધી, જ્યારે સૌરભ દુબે અને કેમેરોન ગ્રીને 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?