IPL ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલ અંગે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભૂતકાળની ભૂલોમાંથી શીખેલો પાઠ છે. આ વખતે કોઈ ખામી ન રહે તે માટે અગાઉની આઈપીએલ સીઝનથી વિપરીત દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને ઓપનર તરીકે રમાડવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ 2026માં તે પહેલી જ મેચથી દિલ્હી કેપિટલ્સ માટે ઈનિંગ ઓપનિંગ કરતો જોવા મળશે.
રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરશે
IPL 2026માં KL રાહુલ ફક્ત દિલ્હી કેપિટલ્સનો ઓપનિંગ બેટ્સમેન જ નહીં, પરંતુ તેમનો વિકેટકીપર પણ હશે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી ફ્રેન્ચાઈઝીએ આ બંને પ્રતિબદ્ધતાઓની પુષ્ટિ કરી છે. IPL 2025માં KL રાહુલ પ્રથમ 11 મેચોમાં મિડલ ઓર્ડરમાં રમ્યો હતો. પરંતુ જેક ફ્રેઝર મેકગર્કના ખરાબ ઓપનિંગ પ્રદર્શનથી કંટાળીને દિલ્હી ફ્રેન્ચાઈઝીએ KL રાહુલને ઈનિંગની શરૂઆત કરાવી. રાહુલે આ તક ઝડપી લીધી અને ટીમ માટે સારું પ્રદર્શન કર્યું.
ગઈ સિઝનમાં ઓપનર તરીકે સદી ફટકારી હતી
ગઈ IPL સિઝનમાં કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનો સૌથી સફળ બેટ્સમેન હતો. તેને 13 મેચમાં 149.72ના સ્ટ્રાઈક રેટથી 539 રન બનાવ્યા હતા, જેમાં ગુજરાત ટાઈટન્સ સામે 65 બોલમાં 112 રનનો સમાવેશ થાય છે. રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે ઈનિંગની શરૂઆત કરતી વખતે તે સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સ IPL 2026માં પણ KL રાહુલ પાસેથી આવા જ મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખે છે, આને ધ્યાનમાં રાખીને તેમને રાહુલને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવાનો અંતિમ નિર્ણય લીધો છે.
કેવું છે કેએલ રાહુલનું IPLમાં પ્રદર્શન?
કેએલ રાહુલના આઈપીએલ કરિયરમાં તેને 145 મેચમાં 136 ઈનિંગમાં 46.21ની એવરેજ અને 136.02ના સ્ટ્રાઈક રેટથી 5222 રન બનાવ્યા છે. તેને આમાંથી 13 મેચ દિલ્હી કેપિટલ્સ માટે રમી હતી, જેમાં તેને 53.90ની એવરેજથી 539 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે માત્ર એક જ સિઝન રમી છે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!