10,000 થી વધુ રન, 350 થી વધુ વિકેટ અને લગભગ બે દાયકા સુધી ચાલેલા શાનદાર કરિયરનો અંત આવ્યો છે. ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર લિયામ ડોસને નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષના ખેલાડીએ રેડ-બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ઈંગ્લેન્ડના સ્થાનિક ક્રિકેટમાં એક ભવ્ય પ્રકરણનો અંત આવ્યો.


લાંબા સમય સુધી હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે રમનાર લિયામ ડોસન હવે ફક્ત વ્હાઈટ બોલ ક્રિકેટમાં જ જોવા મળશે. તેને સ્પષ્ટપણે કહ્યું કે તેને તેની મર્યાદિત ઓવરના કરિયરને લંબાવવા માટે આ નિર્ણય લીધો છે.

નિવૃત્તિને લઈને કહી આ વાત

લિયામ ડોસને 13 મેના રોજ એક નિવેદનમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ એક એવો નિર્ણય હતો જે તેને હળવાશથી લીધો ન હતો, પરંતુ તેમને લાગ્યું કે વ્હાઈટ-બોલ ક્રિકેટમાં પોતાના કરિયરને લંબાવવાનો આ યોગ્ય સમય છે.

તેને કહ્યું કે તેમને હેમ્પશાયર માટે 200 થી વધુ મેચ રમી હોવાનો ખૂબ ગર્વ છે અને વર્ષોથી ઘણા ખેલાડીઓ સાથે તેમની કેટલીક અદ્ભુત યાદો છે. તેઓ હેમ્પશાયર માટે વ્હાઈટ બોલ ક્રિકેટ રમવા અને તેમની સફળતા પર નિર્માણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. લિયામ ડોસને 2014માં હેમ્પશાયરને ડિવિઝન ટુમાંથી પ્રમોશન આપવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારથી ટીમ સતત 11 વર્ષ સુધી ડિવિઝન વનમાં રહી છે.


ભારત સામે ડેબ્યૂ કર્યું

લિયામ ડોસને હેમ્પશાયર માટે 211 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 10,000 થી વધુ રન બનાવ્યા અને 380 વિકેટ લીધી. તેને પોતાના કરિયરમાં 18 સદી પણ ફટકારી. આ આંકડા દર્શાવે છે કે તે વર્ષોથી ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક રહ્યો છે. લિયામ ડોસને ઈંગ્લેન્ડ માટે 4 ટેસ્ટ મેચ પણ રમી હતી. તેને ભારત પ્રવાસ દરમિયાન પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર અણનમ 66 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તે લાંબા સમય સુધી ટેસ્ટ ટીમની બહાર રહ્યો, પરંતુ તે ગયા વર્ષે 8 વર્ષ પછી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પરત ફર્યો.

ધ હન્ડ્રેડમાં લેશે ભાગ

2024 લિયામ ડોસનના કરિયરનું સૌથી યાદગાર વર્ષ સાબિત થયું. પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન એવોર્ડ્સમાં તેમને મેન્સ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો. તેને ઓવરઓલ ડોમેસ્ટિક એમવીપી અને કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ્સ પણ જીત્યો. પરંતુ 2026 સીઝનની શરૂઆતમાં હેમ્પશાયર માટે ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમ્યા બાદ લિયામ ડોસનને ખાસ સફળતા મળી ન હતી.

આ પછી તેને રેડ-બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. લિયામ ડોસન હવે બ્લાસ્ટ અને વન ડે કપમાં હેમ્પશાયર માટે રમવાનું ચાલુ રાખશે, અને માન્ચેસ્ટર ઓરિજિનલ્સ માટે ધ હંડ્રેડમાં પણ ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે તે ભવિષ્યમાં ઈંગ્લેન્ડ માટે વ્હાઈટ-બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: