ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે T20માં રન બનાવવાની રેસ હંમેશા રોમાંચક રહી છે. તાજેતરમાં પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમે 12,000 રનનો આંકડો પાર કર્યો હોવા છતાં, તે હજુ પણ વિશ્વના ટોપ-10 બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી. આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.

યુનિવર્સ બોસ હજુ પણ ટોપ પર

T20 ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝનો 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ 14,562 રન સાથે હજુ પણ પ્રથમ સ્થાને અડિગ છે. તેની પાછળ તેનો જ સાથી ખેલાડી કિરન પોલાર્ડ 14,482 રન સાથે બીજા ક્રમે છે. જોકે, પોલાર્ડ હજુ પણ સક્રિય હોવાથી તે ગેલનો રેકોર્ડ તોડી શકે છે.

ભારતીય દિગ્ગજોની સ્થિતિ

ભારત તરફથી 'કિંગ' વિરાટ કોહલી 13,612 રન સાથે લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. વિરાટ જે રીતે અત્યારે IPL 2026માં ફોર્મમાં છે, તે જોતા તે ટૂંક સમયમાં ટોપ-5માં સ્થાન બનાવી લેશે. બીજી તરફ, ભારતીય કેપ્ટન રોહિત શર્મા 12,361 રન સાથે નવમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક (12,322 રન) તેની પાછળ દસમા સ્થાને છે.

બાબર આઝમ કેમ પાછળ?

પાકિસ્તાની ફેન્સ બાબરને મહાન ગણાવતા થાકતા નથી, પરંતુ આંકડાકીય રીતે તે હજુ ઘણો પાછળ છે. લિસ્ટમાં પાકિસ્તાન તરફથી માત્ર શોએબ મલિક (13,571 રન) સાતમા સ્થાને છે. એલેક્સ હેલ્સ, ડેવિડ વોર્નર અને જોસ બટલર જેવા વિદેશી ખેલાડીઓએ રનનો જે પહાડ ખડક્યો છે, ત્યાં પહોંચવા માટે બાબર આઝમે હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે.


આ પણ વાંચો - Vaibhav Sooryavanshi: 266 રન અને 227નો સ્ટ્રાઈક રેટ, પાવરપ્લેનો અસલી કિંગ છે કોણ?