આઈપીએલ 2026 માં દરેક મેચ સાથે એક સવાલ મોટો થઈ રહ્યો છે. એમએસ ધોની ક્યારે મેદાનમાં પાછો ફરશે? ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટને આ સિઝનમાં એક પણ મેચ રમી નથી, પરંતુ હવે ફેન્સ માટે સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ધોનીની લખનૌની ટિકિટ બુક થઈ ગઈ છે, જેનાથી તેના વાપસીની આશાઓ વધી રહી છે.
સીઝન શરૂ થાય તે પહેલાં એમએસ ધોનીને પગની ઈજાને કારણે બે અઠવાડિયા માટે બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને ભૂતપૂર્વ કેપ્ટન હજુ સુધી મેદાન પર દેખાયો નથી.
શરૂઆતમાં તે ટીમ સાથે બહારની મેચોમાં પણ ગયો ન હતો, પરંતુ બાદમાં હૈદરાબાદ અને મુંબઈ પ્રવાસ પર ટીમ સાથે જોવા મળ્યો, જેના કારણે ફેન્સમાં તેની વાપસી અંગે અટકળો શરૂ થઈ ગઈ. પરંતુ અત્યાર સુધી એમએસ ધોની IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રમાયેલી 11 મેચોમાં ટીમ સાથે જોવા મળ્યો નથી. તે ચેન્નાઈની ઘરઆંગણાની મેચો પણ ચૂકી ગયો છે.
CSKએ આપ્યું મોટું અપડેટ
મીડિયા રિપોર્ટ મુજબ સીએસકે કેમ્પમાંથી મળેલી માહિતી મુજબ ધોની લખનૌ જવા માટે તૈયાર છે, સિવાય કે તે છેલ્લી ઘડીએ પોતાનો વિચાર બદલી નાખે. ફ્રેન્ચાઈઝના સીઈઓ કાસી વિશ્વનાથને પુષ્ટિ આપી કે ટીમ મેનેજમેન્ટે બાકીના ટીમ સાથે એમએસ ધોની માટે ઈન્ડિગોની કોમર્શિયલ ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી છે. 60 સભ્યોની ટીમ લખનૌ જશે, અને મેનેજમેન્ટને આશા છે કે એમએસ ધોની આ પ્રવાસનો ભાગ રહેશે.
ફેન્સ એમએસ ધોનીની પહેલી મેચની રાહ જોઈ રહ્યા છે
એમએસ ધોનીએ આ સિઝનમાં એક પણ મેચ રમી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે CSKની બાકીની ત્રણ મેચોમાંથી ઓછામાં ઓછી એક મેચમાં રમી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 15 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ, 18 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને 21 મેના રોજ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.
હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે. ટીમે 11 મેચમાંથી 6 જીતી છે અને હજુ પણ પ્લેઓફની રેસમાં છે. તેથી જો એમએસ ધોની મેદાનમાં પરત ફરે છે, તો તે માત્ર CSK માટે જ નહીં પરંતુ લાખો ફેન્સ માટે પણ મોટા સમાચાર હશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?