ક્રિકેટના મેદાન પર લાગણીઓ પર કાબુ ગુમાવવો ક્યારેક ખેલાડીઓને મોંઘુ પડી શકે છે, અને બાંગ્લાદેશ મહિલા ટીમની કેપ્ટન નિગાર સુલતાના જોટી સાથે પણ આવું જ થયું છે. ICCએ તેમને ICC આચારસંહિતાના ભંગ બદલ સત્તાવાર રીતે ઠપકો આપ્યો છે.
આ ઘટના 2 મેના રોજ સિલહટમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20I દરમિયાન બની હતી. ICC મુજબ નિગાર સુલતાનાએ કલમ 2.2નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા ગ્રાઉન્ડ વસ્તુઓના દુરુપયોગ સાથે સંબંધિત છે.
બેટને જમીન પર જોરથી ફેંકવું મોંઘું પડ્યું
હકીકતમાં બાંગ્લાદેશની ઈનિંગ દરમિયાન આઉટ થયા પછી નિગાર સુલ્તાના નિરાશ દેખાતી હતી અને ગુસ્સાથી પોતાનું બેટ જમીન પર ફેંકી દીધું હતું. આ કૃત્યને કારણે તેને ICC તરફથી સત્તાવાર ચેતવણી મળી અને તેના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો.
"નિગારે પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરી સુપ્રિયા રાની દાસ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકારી લીધો, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર ન હતી," ICCએ 4 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું. છેલ્લા 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો છે. ICC ના નિયમો મુજબ ખેલાડીના રેકોર્ડ પર 24 મહિના સુધી ડિમેરિટ પોઈન્ટ રહે છે. જો આ સમયગાળા દરમિયાન 4 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ એકઠા થાય છે, તો તેને સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેના કારણે પ્રતિબંધ લાગી શકે છે.
આ આરોપો ઓન-ફિલ્ડ એમ્પાયર એલોઈસ શેરિડન અને શાથિરા ઝાકિર જેસી, થર્ડ એમ્પાયર રોકેયા સુલતાના અને ફોર્થ એમ્પાયર ચંપા ચકમા દ્વારા લગાવવામાં આવ્યા હતા. લેવલ 1ના ઉલ્લંઘન માટે ઓછામાં ઓછી સજા ઠપકો છે, જ્યારે મહત્તમ દંડ મેચ ફીના 50 ટકા દંડ અને 1 કે 2 ડિમેરિટ પોઈન્ટ છે.
આવી રહી મેચની સ્થિતિ
મેચની વાત કરીએ તો શ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કર્યું, બાંગ્લાદેશને સિરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કર્યું. વરસાદથી પ્રભાવિત ત્રીજી T20Iમાં શ્રીલંકાએ 3 રનથી રોમાંચક જીત મેળવી. ટીમની કેપ્ટન ચમારી અથાપટ્ટુએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું, 41 રન બનાવ્યા અને પછી 2 વિકેટ લીધી, જે જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ પણ વાંચો: BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અલગ અલગ ટીમની કરી જાહેરાત, મે થી જુલાઈ દરમિયાન રમાશે મેચ