મંગળવારે રમાયેલી IPL 2026ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ સામે 223 રનના વિશાળ લક્ષ્યને પાર કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. ડોનોવન ફેરેરા (52*) અને શુભમ દુબે (31*)ની તોફાની બેટિંગના દમ પર ટીમે 4 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. જોકે, આ જીતનો આનંદ લાંબો સમય ટક્યો નહીં, કારણ કે કેપ્ટન રિયાન પરાગ એક ગંભીર વિવાદમાં ફસાઈ ગયા છે.ન્યુ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. જયાં RRના કેપ્ટન રિયાન પરાગનો ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેના બાદ સ્ટાર ક્રિકેટર રિયાન પરાગ પર જેલ અને દંડનો ખતરો મંડરાયો છે. જાણો શું છે રિયાન પરાગ સાથે સંકળાયેલા આ સમગ્ર વિવાદ.
ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં બેસીને 'વેપ' (E-Cigarette) પીતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં પરાગ ખૂબ જ સાવધાનીપૂર્વક વેપિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે કેમેરાની નજરમાંથી બચી શક્યા નહીં. આ સમયે તેમની બાજુમાં યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ પણ હાજર હતા. મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતો રિયાનનો આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. પંજાબ સામે જીત બાદ રિયાન પરાગના આ કૃત્યથી સમગ્ર ચર્ચા બદલી નાખી.
રિયાન પરાગ પર દંડ અને જેલનો ખતરો
આ ઘટના એવા સમયે બની છે જ્યારે રાજસ્થાન રોયલ્સ પહેલાથી જ નિયમ ભંગ બદલ સમાચારમાં હતી. ટીમ મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરવા બદલ ₹1 લાખનો દંડ અને ચેતવણી આપવામાં આવી હતી. અને હવે મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા ખેલાડી પરાગનો કેસ વધુ ગંભીર બન્યો છે. IPLના નિયમો ડ્રેસિંગ રૂમ અને ડગઆઉટમાં ઈ-સિગારેટ અને વેપ સહિત ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકે છે. તેથી, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ આ મામલાની તપાસ કરી શકે છે. આ મામલે BCCI શું વલણ અપનાવે છે તે જોવાનું બાકી છે. અહેવાલો અનુસાર, પરાગને ચેતવણી, દંડ અથવા તો મેચ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
શું કહે છે IPL અને ભારતના કાયદા?
રિયાન પરાગની આ હરકત તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે, કારણ કે IPL નિયમો મુજબ ડ્રેસિંગ રૂમ અને ડગઆઉટમાં કોઈપણ પ્રકારના ધૂમ્રપાન અથવા ઇલેક્ટ્રોનિક સિગારેટ પર સખત પ્રતિબંધ છે. ભારતમાં 'ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ (PECA) 2019' હેઠળ વેપિંગ ઉપકરણો ગેરકાયદેસર છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ ₹60,000 થી ₹5 લાખ સુધીનો દંડ અને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
વેપિંગ શું છે?
સૌ પ્રથમ, ચાલો સમજીએ કે વેપિંગ શું છે. તેમાં ઇલેક્ટ્રોનિક સિગારેટ (ઈ-સિગારેટ) અથવા વેપ પેન જેવા બેટરી સંચાલિત ઉપકરણો દ્વારા ખાસ પ્રવાહી (ઈ-લિક્વિડ) ગરમ કરીને બનાવેલા વરાળને શ્વાસમાં લેવાનો સમાવેશ થાય છે. આ ઉપકરણોમાં બેટરી, હીટિંગ એલિમેન્ટ અને પ્રવાહીને પકડી રાખવા માટે પોડ અથવા ટાંકી હોય છે. તેમાં સામાન્ય રીતે નિકોટિન, કૃત્રિમ સ્વાદ અને અન્ય રસાયણો હોય છે.
આ પણ વાંચો : IPL 2026 : રાજસ્થાન રોયલ્સે PBKSને 6 વિકેટે હરાવ્યું, યશસ્વી જયસ્વાલની ધમાકેદાર ફિફ્ટી