IPL 2026ની 17મી મેચમાં આજે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને ટકરાશે. પંજાબ કિંગ્સે આ સીઝનની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોને હરાવીને પંજાબના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. જોકે, કોલકાતા સામેની છેલ્લી મેચ વરસાદને કારણે રદ થતા તેમની લય થોડી ખોરવાઈ હતી, પણ આજે તેઓ ફરી જીતના પાટા પર ચઢવા તૈયાર છે.
બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદની સ્થિતિ નાજુક છે. આરસીબી અને એલએસજી સામે હાર્યા બાદ હૈદરાબાદ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે.
હેડ-ટુ-હેડ આંકડા
ઇતિહાસની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 24 મેચોમાંથી 17માં હૈદરાબાદ અને માત્ર 7માં પંજાબનો વિજય થયો છે. પરંતુ વર્તમાન ફોર્મને જોતા પંજાબની ટીમ આ વખતે હૈદરાબાદને ટક્કર આપી શકે તેમ છે.
પિચ અને વેધર રિપોર્ટ
મુલ્લાંપુરનું મેદાન ફાસ્ટ બોલરોને મદદરૂપ સાબિત થઈ શકે છે. અહીં ઉછાળ અને ઝડપ મળવાની શક્યતા છે. દિવસની મેચ હોવાથી તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેશે અને આકાશ ચોખ્ખું રહેવાની આગાહી છે.
આ ખેલાડીઓ પર રહેશે નજર
પંજાબ તરફથી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૂપર કોનોલી પર સૌની નજર રહેશે, જ્યારે હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ક્લાસેન અત્યારે શાનદાર ફોર્મમાં છે અને તેની સિક્સરો કોઈ પણ મેદાનને નાનું પાડી શકે છે.
ડેલ સ્ટેઈનના પિચ રિપોર્ટ મુજબ, આજની મેચ દિવસની હોવાથી પિચનો મિજાજ બદલાયેલો જોવા મળશે. અહીં અગાઉની મેચોમાં 160-170 રનનો લો-સ્કોરિંગ ટ્રેન્ડ જોવા મળ્યો છે, તેથી આજે પણ 220 કે 230 જેવા વિશાળ સ્કોરની અપેક્ષા ઓછી છે. પિચ થોડી ધીમી હોવાથી બેટર્સ માટે બોલ પર પ્રહાર કરવો મુશ્કેલ બનશે અને તેમણે રન બનાવવા માટે વધુ તાકાત લગાવવી પડશે.
શરૂઆતમાં બેટિંગ કરનાર ટીમ માટે 170 રનનો સ્કોર પડકારજનક રહેશે, જોકે સાંજ પડતા પિચ પર બોલ સ્કીડ થવાને કારણે બેટિંગ થોડી સરળ બની શકે છે. ટૂંકમાં, આ પિચ બોલરોને મદદરૂપ થશે અને બેટર્સ સાથેનો તેમનો મુકાબલો વધુ રસાકસીભર્યો બનશે.
આ પણ વાંચો - Vaibhav Suryavanshiની વિસ્ફોટક બેટિંગે IPL 2026માં હેઝલવુડ અને બુમરાહ જેવા દિગ્ગજ બોલરોને ધોયા