આઈપીએલ 2026માં એક એવો યુવા ખેલાડી ઉભરી આવ્યો છે જેણે ક્રિકેટ જગતના દિગ્ગજ બોલરોની ઊંઘ ઉડાડી દીધી છે. રાજસ્થાન રોયલ્સ (RR) ના 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે માત્ર 26 બોલમાં 78 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને મેચ પલટી નાખી હતી. 201 રનનો વિશાળ સ્કોર પણ સૂર્યવંશીના તોફાન સામે નાનો સાબિત થયો અને રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં જ જીત મેળવી લીધી.

300ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ: હેઝલવુડને ક્લીન સ્વીપ કર્યો

બિહારના સમસ્તીપુરના આ યુવા ખેલાડીએ મેદાનના ચારેય ખૂણે શોટ્સ ફટકાર્યા હતા. તેણે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવની બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાની ઇનિંગમાં 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા, એટલે કે 78માંથી 74 રન તો માત્ર બાઉન્ડ્રીથી જ આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની એક જ ઓવરમાં તેણે સતત ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને આરસીબીના બોલિંગ એટેકને વેરવિખેર કરી દીધો હતો.

ધ્રુવ જુરેલ સાથે ઐતિહાસિક ભાગીદારી, બુમરાહની કરી ધુલાઈ

માત્ર વૈભવ જ નહીં, પરંતુ તેને ધ્રુવ જુરેલનો પણ શાનદાર સાથ મળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે માત્ર 37 બોલમાં 108 રનની તોફાની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલે પણ 43 બોલમાં અણનમ 81 રન ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી બોલરો પણ આ યુવા જોડી સામે લાચાર દેખાતા હતા. વૈભવ સૂર્યવંશી વિશ્વના શ્રેષ્ઠ બોલરો સામે રનનો પહાડ ખડકી રહ્યો છે. અગાઉ પણ તેણે જસપ્રીત બુમરાહ સામે પણ આવું જ પ્રદર્શન કર્યું હતું, જે સાબિત કરે છે કે આ ખેલાડી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પૂરી રીતે તૈયાર છે.

RCB સામે RRની ધમાકેદાર જીત

પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ કેપ્ટન રજત પાટીદારના 63 રનની મદદથી 201 રન બનાવ્યા હતા. જોકે, વૈભવ સૂર્યવંશીના 300ના સ્ટ્રાઈક રેટ સામે આ સ્કોર ઓછો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સે આ જીત સાથે ટુર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે.


આ પણ વાંચો : IPL 2026 : વૈભવ સૂર્યવંશીએ માત્ર આટલા બોલમાં ફટકારી 50, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન!