IPL 2026નો લીગ તબક્કો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. 3 ટીમો પહેલાથી જ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ હતી. હવે તેઓ પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

આ દરમિયાન મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે, જેનાથી RCB ફેન્સને આનંદ થવાનું કારણ મળ્યું છે. RCBના સ્ટાર બેટ્સમેન અને ઓપનર ફિલ સોલ્ટના વાપસીનો માર્ગ મોકળો થઈ ગયો છે. એક મહિનાથી વધુ સમય સુધી રમતથી બહાર રહ્યા બાદ ફિલ સોલ્ટ IPL 2026માં ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે.

ફિલ સોલ્ટે 18 એપ્રિલે બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામે તેની છેલ્લી IPL મેચ રમી હતી, ત્યારબાદ તે ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. હવે તે પ્લેઓફ પહેલા ટીમમાં જોડાવા માટે તૈયાર છે.

પ્લેઓફ પહેલા ટીમમાં જોડાશે ફિલ સોલ્ટ

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ સોલ્ટ આ અઠવાડિયાના અંતમાં ભારત પરત ફરવાનો છે. આંગળીમાં ઈજાને કારણે તે છેલ્લા એક મહિનાથી IPLમાંથી બહાર હતો. 18 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ઈંગ્લેન્ડ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઓપનર ફિલ સોલ્ટને ડાબી આંગળીમાં ઈજા થઈ હતી.

બાઉન્ડ્રી બચાવવા માટે ડાઈવ કરતી વખતે તેને આ ઈજા થઈ હતી. આ ઘટના પછી તેને કોઈ મેચ રમી નથી. ગયા મહિને તે તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે ઘરે પરત ફર્યો હતો જેથી તેની આંગળીમાં ઈજા મટી શકે.

લીગ સ્ટેજમાં ટીમની છેલ્લી મેચમાં રમવાની અપેક્ષા

ફિલ સોલ્ટની ગેરહાજરીમાં RCB સરળતાથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું, અને જો તેમનો નેટ રન રેટ યથાવત રહેશે, તો તેઓ આગામી મંગળવાર, 26 મેના રોજ ધર્મશાલામાં ક્વોલિફાયર 1 માં આગળ વધે તેવી શક્યતા છે. 22 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે RCBના અંતિમ લીગ-સ્ટેજ મેચ માટે ફિલ સોલ્ટ ઉપલબ્ધ રહેશે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ ટીમ પ્લેઓફની આટલી નજીક કોઈપણ જોખમ લેવા માટે અનિચ્છા રાખશે.

ફિલ સોલ્ટની ગેરહાજરીમાં જેકબ બેથેલ છેલ્લા મહિનાથી વિરાટ કોહલીનો ઓપનિંગ પાર્ટનર રહ્યો છે, પરંતુ તેને ખાસ કોઈ અસર કરી નથી. તેને 7 ઈનિંગમાં 96 રન બનાવ્યા છે. જો 22 મેના રોજ ફિલ સોલ્ટ ઉપલબ્ધ ન હોય તો પણ જેકબ બેથેલનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે, કારણ કે રવિવારે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ સામેની જીતમાં વેંકટેશ ઐયર 73 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?