BCCIએ 19 મે ના રોજ અફઘાનિસ્તાન સામેની આગામી 3 મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. એક ખેલાડીને ODI ટીમમાં સ્થાન મળ્યું છે જેને ચાલુ IPL સીઝનમાં બોલથી ધમાલ મચાવી છે.

આ બોલરે IPL 2026 માં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને ત્યાં 16 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા છે. અહીં ભારતના 24 વર્ષના યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ વિશે વાત કરી રહ્યા છીએ. પ્રિન્સ યાદવે આ IPL સીઝનમાં પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા અને હવે તેને પહેલીવાર ભારતની ODI ટીમમાં સ્થાન મળ્યું છે.

IPL 2026માં પ્રિન્સ યાદવ LSGનો ભાગ છે

પ્રિન્સ યાદવ IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. આ સિઝનમાં તેમની ટીમનું પ્રદર્શન ખાસ શાનદાર રહ્યું નથી, અને તેઓ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે. પરંતુ ટીમના ફાસ્ટ બોલરે પોતાની ગતિથી સેલિક્ટર્સને પ્રભાવિત કર્યા, જેના કારણે તેને જૂનમાં અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું. આ ODI સિરીઝ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે.

પ્રિન્સ યાદવે વિજય હજારે ટ્રોફીમાં પણ કર્યું હતું સારું પ્રદર્શન

દિલ્હી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા પ્રિન્સ યાદવે છેલ્લી વિજય હજારે ટ્રોફીમાં 8 મેચમાં 17 વિકેટ લીધી હતી. તેને 14 લિસ્ટ A મેચમાં 29 વિકેટ લીધી છે, જેનો ઈકોનોમી રેટ 5.15 છે. IPL 2026માં તેને 12 મેચમાં 16 વિકેટ લીધી છે, જેમાં 8.53 ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે. તે આ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી સફળ બોલરોમાંનો એક રહ્યો છે. તે નવા બોલ તેમજ ડેથ ઓવરમાં સારી બોલિંગ કરી રહ્યો છે. તેને આ IPL સિઝનમાં વિરાટ કોહલી સહિત ઘણા મોટા ખેલાડીઓને આઉટ કર્યા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI સિરીઝ ધર્મશાલા, લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. ODI સિરીઝ પહેલા એકમાત્ર ટેસ્ટ મેચ રમાશે, જે ન્યૂ ચંદીગઢમાં યોજાશે. ટેસ્ટ સિરીઝ માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ટેસ્ટ ટીમની વાત કરીએ તો રિષભ પંતને વાઈસ-કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવ્યો છે, અને કેએલ રાહુલ હવે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન રહેશે.

અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાડ, હર્ષ દુબે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?